ચીનને ભારત સામે ભડકાવી નવો આશરો શોધતું પાકિસ્તાન

 કરાંચીમાં ચીનના દૂતાવાસ પરનો હુમલો ભારતે
કરાવ્યાની ઉપજાવી વાત
કરાંચી તા.12
આતંકવાદીના હમદર્દ બની ચુકેલા પાકિસ્તાને હવે ભારત વિરૂદ્ધ એક નવી જ ચાલ ચાલી છે. પોતાના મદદગાર ચીનને ભારત વિરૂદ્ધ ભડકાવવા માટે પાકિસ્તાને એક નવુ જ અભિયાન છેડ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે, કરાંચી સ્થિત ચીનના વાણિજ્ય દૂતાવાસ પર તાજેતરમાં જે હુમલો થયો તેની પાછળ ભારતનો હાથ છે. આ પ્રકારની નીચલી કક્ષાની હરકતથી પાકિસ્તાન ચીનને ભારત વિરૂદ્ધ ભડકાવવા ધારે છે.
આતંકવાદ પર બેવડા વલણના કારણે અમેરિકાએ ભાવ આપવાનું બંધ કરતા પાકિસ્તાન હવે ચીનની સોડમાં ભરાઈ રહ્યું છે. બીજી બાજુ, સરહદી વિવાદ અને ડોકલામ જેવા પ્રકરણ બાદ પણ ચીન ભારત સાથે સારાસારી રાખી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બંને નેતાઓએ દ્વિપક્ષીય વાર્તાલાપને એક નવી જ ઉંચાઈએ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. કદાચ આ સંબંધો પાકિસ્તાનને આંખના કણાની જેમ ખુંચી રહ્યાં છે અને માટે જ તેણે આ નવી ચાલ ખેલી છે.
પાકિસ્તાન મીડિયાના અહેવાલ પ્રમાણે શુક્રવારે કરાચી પોલીસ ચીફ ડો, અમીર અહમદ શેખે જાણકારી આપતા કહ્યું હતું કે, કરાચી સ્થિત ચીની મિશન પર થયેલા હુમલાનું ષડયંત્ર અફઘાનિસ્તાનમાં રચવામાં આવ્યું હતું અને તેમાં ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એંડ એનાલિસિસ વિંગ (આરએડબલ્યુ)એ મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં આધુનિક હથિયારોથી સજ્જ ત્રણ આતંકવાદીઓએ ચીની કોંસુલેટમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. ચીનનું આ કોંસુલેટ ખુબ જ સુરક્ષીત જગ્યાએ આવેલું છે તેમ છતાં આતંકીઓ અહીં પહોંચવામાં સફળ કેવી રીતે રહ્યાં. જેનો પાકિસ્તાન જવાબ નથી આપી રહ્યું. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી સ્વિકારી હતી.