રાહુલ ગાંધી આજે અબુધાબીમાં; યુએઇના પ્રધાનો સાથે મુલાકાતJanuary 12, 2019

 બિન રાજકીય ગણાવાતા દુબઇ પ્રવાસમાં
રાહુલના રાજકીય વિધાનોથી આશ્ર્ચર્ય
અબુધાબી તા.12
લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી બે દિવસ માટે યુએઈના પ્રવાસે ગયા છે. તેઓ દુબઈ અને અબુધાબીમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે અને ભારતીય કામદારો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓને મળશે. દુબઈમાં ભારતના કામદારોને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું અહીં મારી મન કી બાત કરવા આવ્યો નથી તમારી વાત અને સમસ્યાઓ સાંભળવા આવ્યો છું. રાહુલે કહ્યું કે, આપ સૌએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. આપને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે. આપની સમસ્યાઓ તેમજ મુશ્કેલીઓ દૂર કરવા શક્ય એટલી મદદ કરવા અમે તૈયાર છીએ અને આપને સાથ આપવા તત્પર છીએ. દુબઈમાં મજૂરો સાથેની વાતચીતમાં રાહુલે કહ્યું કે, તમામ ધર્મ, રાજ્યો અને જાતિનાં નામને આપ સૌએ ગૌરવ બક્ષ્યું છે અને દેશનંત નામ રોશન કર્યું છે.
અહીં રાહુલ ગાંધીએ અસહિષ્ણુતાને ફરી એકવાર હથિયાર બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. ભારતીય સમુદાયને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, યુએઇ અને ભારતના લોકોને આપસમાં જોડનારા મૂલ્યો વિનમ્રતા અને સહિષ્ણુતા છે. જુદા જુદા વિચારો, ધર્મો અને સમુદાયો વચ્ચે સહિષ્ણુતા છે. પરંતુ મને ભારે દુખ સાથે કહેવું પડે છે કે છેલ્લા સાડા ચાર વર્ષમાં મારા ઘર (ભારત)માં અસહિષ્ણુતા છે.રાહુલ ગાંધીનો યુએઈનો પ્રવાસ વિદેશી ભારતીયો સાથે સંપર્ક વધારવાનો છે. આ તેમનો રાજકીય પ્રવાસ નથી તેમ રાહુલ ગાંધી સાથેની ટીમે જણાવ્યું હતું. તેમની સાથે કોંગ્રેસના નેતા સામ પિત્રોડા તેમજ કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી પ્રવાસમાં જોડાયા છે. તેઓ કેટલાક બિઝનેસમેન સાથે ચર્ચાવિચારણા કરશે. દુબઈ, અબુધાબી અને ગલ્ફના દેશોમાં અનેક ભારતીયો વસે છે, જેમાં ભારતીય મજૂરો અને કામદારોની સંખ્યા ઘણી વધારે છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કામદારો સાથે તેઓ સંવાદ કરશે અને તેમની સમસ્યાઓ જાણશે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેઓ ઈન્ડો-આરબ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ભાગ લેશે. રાહુલ ગાંધી આજે અબુધાબી જશે તેમજ સંયુક્ત આરબ અમીરાતના પ્રધાનો સાથે મુલાકાત કરશે. તેઓ ઈન્ડિયન બિઝનેસ ગ્રૂપના સભ્યોને મળશે. તેઓ શેખ ઝાયેદ મસ્જિદની મુલાકાત પણ લેશે.