CBI: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ‘ઈગો’January 12, 2019

સીબીઆઈ પર કબજો કરવા માટે ચાલી રહેલી લડાઈમાં શુક્રવારે વધુ એક રોમાંચક ટ્વિસ્ટ આવી ગયો. સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા અને મોદી સરકારના માનીતા સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની વર્ચસ્વની લડાઈમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અસ્થાનાનો પક્ષ લઈને વર્માને કોરાણે મૂકવા રજા પર ઉતારી દીધેલા. હજુ બે દિવસ પહેલાં જ આ ડ્રામામાં પહેલો જોરદાર ટ્વિસ્ટ આવ્યો ને સુપ્રીમ કોર્ટે વર્માને પાછા સીબીઆઈના કર્તાહર્તા તરીકે બેસાડી દીધેલા.
વર્માએ ગુરુવારે સીબીઆઈના વડા તરીકે ચાર્જ લઈને ધડાધડી શરૂ કરી પણ એ ધડાધડી લાંબી ટકે એ પહેલાં જ બીજો મોટો ટ્વિસ્ટ આવી ગયો. સીબીઆઈના વડા અંગે કોઈ પણ નિર્ણય લેવા માટે એક સિલેક્શન પેનલ હોય છે. વડા પ્રધાન, દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા એ ત્રણ મહાનુભાવો આ પેનલના સભ્ય હોય છે. ચીફ જસ્ટિસ તરીકે અત્યારે જસ્ટિસ રંજન ગોગોઈ છે પણ તેમણે પોતાના પ્રતિનિધિ તરીકે જસ્ટિસ સિક્રીને આ પેનલમાં મૂક્યા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આ પેનલના ત્રીજા સભ્ય છે. મોદી સરકારે ગુરૂવારે તાબડતોબ આ સિલેક્શન કમિટીની બેઠક બોલાવી ને તેમાં 2 વિરૂદ્ધ 1 મતે આલોક વર્માનું પડીકું કરી નખાયું. ખડગે બૂમાબૂમ કરતા રહ્યા ને મોદી સરકારે વર્માને સીબીઆઈના ડિરેક્ટરપદેથી દૂર કરીને સાવ ફાલતુ કહેવાય એવા ફાયર સેફ્ટી, હોમ ગાર્ડ્સ ને સિવિલ ડીફેન્સના ડાયરેક્ટર જનરલ (ડી.જી.) બનાવીને સીબીઆઈમાંથી તેમનાં લૂગડાં કાઢી નાખ્યાં. મોદી સરકારે વર્માને અપમાનિત કરવા ને તેમની હૈસિયત બતાવવા જ આ હોદ્દા પર મૂકેલા એ કહેવાની જરૂર નથી. સામે વર્માએ પણ ફૂંફાડો મારીને રાજીનામું ધરી દીધું ને સાવ છૂટા થઈ ગયા એ સાથે જ ત્રીજો મોટો ટ્વિસ્ટ આવી ગયો. આ અહમની લડાઈ આલોક વર્મા સીબીઆઈના ડિરેક્ટર બન્યા ત્યારે જ શરૂ થઈ ગયેલી. મોદી સરકાર પોતાના માનીતા રાકેશ અસ્થાનેને સીબીઆઈના કર્તાહર્તા બનાવવા માગતી હતી પણ અસ્થાના સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા ને એ સીનિયોરિટીમાં પણ પાછળ હતા તેથી કમને વર્માને આગળ કરવા પડેલા. અસ્થાના મોદીના માનીતા હતા તેથી એવું માની બેઠેલા કે, વર્મા ભલે સીબીઆઈના ડિરેક્ટર બન્યા પણ અસલી બોસ તો હું જ છું કેમ કે સુપર બોસના આપણા પર ચાર હાથ છે. તેમાં તેમણે બધી વાતમાં દખલ કરવા માંડી ને એમાં જ વર્મા સાથે ઠેરી ગઈ.
વર્મા પણ ઘાટ ઘાટનાં પાણી પીને જ અહીં લગી પહોંચ્યા છે તેથી તેમણે પણ અસ્થાનાનું બોર્ડ પૂરું કરી નાખવા પૂરી તાકાત લગાવી દીધી. અસ્થાનાના નસીબ અવળાં કે એ મોઈન કુરેશી કેસમાં ભેરવાઈ ગયેલા. કુરેશી હૈદરાબાદનો માંસનો મોટો નિકાસકાર છે ને જાકુબીના ધંધા કરી કરીને બહુ જાડો પૈસો બનાવ્યો છે. કુરેશીએ ટોચની એજન્સીઓમાં ઓફિસરોને ફોડી રાખેલા ને તેમને નૈવેધ ધરાવીને પોતાનું કામ ચલાવતો. કુરેશીએ મોટા પાયે કરચોરી કરેલી ને તેના કારણે ઈન્કમટેક્સ વિભાગની નજરમાં આવી ગયેલો. સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર એ.પી. સિંહ સાથે તેને સારાસારી હતી એટલે તેને કશું નહોતું થયું પણ સિંહનું છત્ર હટ્યું કે તરત તેની પનોતી શરૂ થઈ.
પહેલાં ઈન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી, પછી એન્ફોર્સમેન્ટ ડિરક્ટરેટ પણ મેદાનમાં આવ્યું ને પછી તો લાઈન લાગી ગઈ. સતિષ સાના નામનો બિઝનેસમેન કુરેશીનો દલાલ હતો. એ અધિકારીઓ સાથે સાઠગાઠ કરાવવાનું કામ કરતો. આ સાના સીબીઆઈની ઝપટે ચડી ગયેલો ને સીબીઆઈના અધિકારીઓ તેને દબાવીને ખંખેરવા માંડેલા.
આ કેસ રાકેશ અસ્થાના પાસે હતો ને અસ્થાનાએ તેની ભારે ઊલટતપાસ કરેલી. તેના પંદરેક દાડા પછી અસ્થાનાએ પરેશાન નહીં કરવા 5 કરોડ રૂપિયામાં તોડ કરેલો એવી ફરિયાદ સાનાએ કરી. સોમેશ પ્રસાદ નામનો માણસ અસ્થાનાના દલાલ તરીકે કામ કરતો ને તેને 3 કરોડ રૂપિયા આપી દેવાયેલા એવું પણ સાનાએ કહેલું. બાકીના 2 કરોડ રૂપિયા માટે દબાણ થતું હતું. સાનાએ ફરિયાદ કરી એટલે સીબીઆઈના એન્ટિ કરપ્શન સેલે છટકું ગોઠવ્યું. સાનાના નોંતરે પ્રસાદ બાકી રહેલો પ્રસાદ લેવા આવ્યો ને સીબીઆઈના હાથે ચડી ગયો એવું સીબીઆઈએ એફઆઈઆરમાં કહ્યું છે.
અસ્થાનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો એટલે તેમને રજા પર ઉતારવા પડ્યા. મોદી સરકારે અસ્થાનાને સાચવવા વર્માને પણ રજા પર ઉતારી દીધેલા. સુપ્રીમે મોદી સરકારનો નિર્ણય રદ કર્યો તેમાં તેમનો અહમ ઘવાયેલો. જો કે મોદી ગમ કાઈ ગયા હોત કેમ કે વર્મા 31 જાન્યુઆરીએ તો નિવૃત્ત થવાના હતા. મોદી સરકારે તેમને મહિના દાડા કરતાં પણ ઓછો સમય સહન કરવાના હતા પણ વર્મા ફોર્મમાં આવી ગયા તેમાં ખેલ બગડ્યો. વર્મા એમ માનીને બેઠા કે, સુપ્રીમ કોર્ટનું છત્ર છે તેથી હવે કોઈ પોતાનું કશું નહીં બગાડી શકે. તેમણે પાછા આવીને પોતાની ગેરહાજરીમાં લેવાયેલા નિર્ણયો ધડાધડ બદલવા માંડ્યા ને બદલીઓ રદ કરી. વર્મા પોતાનો અહમ સંતોષવામાં ના પડ્યા હોત તો કદાચ ના ગયા હોત. વર્મા મહિનો દાડો જંપી ગયા હોત તો વાંધો ના આવત પણ તેમણે આ ખેલ શરૂ કર્યો એટલે મોદીએ પણ અસલી બોસ કોણ છે એ બતાવવા તેમને સીબીઆઈમાંથી જ દૂર કરી દીધા.
વર્માની વિદાય સાથે સીબીઆઈમાં ચાલતી એક ડર્ટી ગેમ પૂરી થઈ છે ને હવે બીજી ડર્ટી ગેમ શરૂ થશે. મોદીની મનસા અસ્થાનાને સીબીઆઈના કર્તાહર્તા બનાવવાની છે પણ અસ્થાના પર ભ્રષ્ટાચારના કેસની તલવાર લટકે છે તેથી એ મનશા પૂરી થવામાં શંકા છે. અત્યારે તો મોદી સરકારે નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર બનાવીને ગાડું ગબડાવવાનું વલણ લીધું છે. જો કે એ રીતે લાંબો સમય ચલાવી નહીં શકાય એ જોતાં ગમે તે રીતે અસ્થાનાને બેસાડવા માટેનો ખેલ કરાશે જ ને વધુ એક ડર્ટી ગેમ રમાશે.
દેશની સૌથી સર્વોચ્ચ સંસ્થાનો વહીવટ આ રીતે ચાલે એ કમનસીબી કહેવાય પણ આ વાસ્તવિકતા છે. શાસન બદલાય તેના કારણે કશું બદલાતું નથી તેનો પણ આ પુરાવો છે. કોંગ્રેસના વખતમાં પણ આ બધું થતું ને અત્યારે પણ એ જ રીતે બધું ચાલે છે.