વિદેશી દારૂના કટિંગ ટાણે પોલીસ ત્રાટકી, 66 લાખનો દલ્લો ઝડપાયોJanuary 12, 2019

 વિસાવદરના
રાજાણી પીપળિયાની સીમમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપ્યા
જૂનાગઢ તા.1ર
જૂનાગઢ એલસીબી પોલીસે આજે બપોરના વિસાવદરના રાજાણી પીપળીયા ગામેથી રાજસ્થાનથી આવેલ 7656 બોટલ દારૂનો જંગી જથ્થો ગામની સીમમાંથી કટીંગ થાય તે પહેલાં પકડી પાડી રૂા.66,44,400 ની કિંમતનો દારૂ તથા મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરી વિસાવદર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
જૂનાગઢ આર.આર.સેલે બુધવારની રાત્રીએ ભેસાણના વાકુના ખારચીયા ગામેથી રૂા.43.67 લાખના દારૂ અને મુદ્દામાલ પકડયાની શાહી સુકાય નથી ત્યારે જ જૂનાગઢ એલસીબીએ આજે બપોરના 1ર વાગ્યાના સુમારે મળેલી બાતમીના આધારે વિસાવદર તાલુકાના રાજાણી પીપળીયા ગામે એક વાડીમાં દારૂ અંગે દરોડો પાડી રાજસ્થાનથી આવેલ ટ્રક નં.જીજે77જીબી-1411 માંથી રૂા.30,6ર,400 ની કિંમતનો 76પ6 બોટલ પરપ્રાંતિય વિદેશી દારૂ ઝડપી પાડયો હતો અને ટ્રકચાલક સહિત ર શખ્સોની ધરપકડ કરી દારૂ તથા ટ્રક, મોટરસાયકલ સહિત રૂા.66,44,400 નો મુદ્દામાલ કબ્જે લઇને વિસાવદર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે પરપ્રાંતમાંથી વિપુલ પ્રમાણમાં દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઘુસાડાય રહ્યો છે પરંતુ ગુજરાત પોલીસ ઉંઘમાં છે ત્યારે જૂનાગઢ રેન્જના આઇ.જી. સુભાષ ત્રિવેદી અને જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ જેવા કડક પોલીસ અમલદારોએ બુટલેગરોને મોઢે આવતા કોડીયા છીનવી દારૂના ધંધાર્થીઓ ઉપર ઘોંસ બોલાવતા અનેક બુટલેગરો ભોંભીતર થઇ જવા પામ્યા છે અને જૂનાગઢ પોલીસના અધિકારીઓ દારૂના ધંધાર્થીઓની ચાલચલણ ઉપર બાજ નજર રાખી જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં ઉતારવા માટે લવાતા દારૂના મોટા પ્રમાણમાં જથ્થા પકડી પાડી રહ્યા છે ત્યારે ગુજરાત બોર્ડર અને વચ્ચે આવતી જીલ્લા પોલીસના ચેકીંગ અને પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે તો બીજી બાજુ જૂનાગઢના બુટલેગરોમાં જૂનાગઢ પોલીસની ધાક ગામ છોડી નાસવા મજબુર કરી રહી છે.
જૂનાગઢ એલસીબી પોલીસે વિસાવદરના હાજીપાણી પીપળીયા ગામેથી પકડી પાડેલ આ જથ્થો કોણે મંગાવ્યો હતો અને કયાં જઇ રહ્યો હતો તે અંગે પકડાયેલ શખ્સોની જીણવટભરી પુછપરછ શરૂ કરવામાં આવેલ છે અને બંને શખ્સોની વિસાવદર પોલીસ આવતીકાલે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.