કતપરમાં ફરી ટોળાંનો પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

 વિરોધ બાદ પણ
પ્રોજેક્ટ ચાલુ રહેતા ગ્રામજનો રઘવાયા થયા
ક્ષ કામ કરતા મજૂરો પર ટોળું લાકડી-ધોકા સાથે તૂટી પડતા અનેકને ઈજા : રક્ષણ માટેની પોલીસ ફોર્સ પણ ટુંકી પડી
ભાવનગર તા,12
મહુવા તાલુકાના કતપર નજીક કે.પી. એનર્જી કંપની દ્વારા બનાવાઈ રહેલા પવન ચક્કીના પ્રોજેક્ટનો છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને પવનચક્કી પ્રોજેક્ટને અટકાવવાનો પ્રયાસો સાથે રેલી, ધરણા સહિત આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે પવનચક્કી પ્રોજેક્ટનું કામ અટાવવા લોકોએ હિંસક વિરોધ કર્યો હતો અને મસ મોટુ ટોળુ પ્રોજેક્ટ સ્થળે ધસી ગયું હતું અને કામ કરી રહેલા કંપનીના માણસો પર હુમલો કરી માર મારી કામ બંધ કરાવ્યું હતું. જેમાં અનેકને ઈજા થવા પામી હતી. આ બનાવ અંગે 125ના ટોળા સામે ફરીયાદ નોંધાવાઈ હતી.
મહુવાના કતપર સહિત ગામોમાં કે.પી. એનર્જી દ્વારા પવનચક્કી લગાવવામાં આવી રહી છે. જેનો કેટલાક લોકો તથા સંસ્થાઓ વિરોધ કરી રહી છે. પર્યાવરણને નુકસાન કર્તા ન હોવા છતા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ હતી તે દરમ્યાન 150 જેટલી સ્ત્રી-પુરૂષોનું ટોળુ કતર બંદર લાઈટ હાઉસ પાસેની કામની સાઈટ પર ધસી ગયું હતું અને પવનચક્કીનું કામ કરી રહેલા મજુરો ઉપર પથ્થરમારો કર્યો હતો અને લાકડી-ધોકા વડે તુટી પડ્યા હતા. પરંતુ ટોળા સામે પોલીસ ફોર્સ ઓછી પડી હતી. ટોળા દ્વારા પથ્થર મારો અને લાકડી-ધોકા વડે હુમલો કરતા અનેક મજુરોને નાની-મોટી ઈજા પામી હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે ટોળાએ અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી. પવનચક્કીના કારણે થતા અવાજથી રહેણાંક વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મુશ્કેલીઓ સર્જાતી હોવાનું
ટોળાએ જણાવેલ.
આ બનાવ સંદર્ભે પો.કો. ભરતભાઇ સાંખટે મહુવા પો.સ્ટે.માં વિનોદ બેચરભાઇ ચાવડા, દિપક મનસુખભાઇ બાંભણીયા, નરેશ મોહનભાઇ બાંભણીયા, જયાબેન નરશીભાઇ ડોણાસીયા, રમેશ બોઘાભાઇ બારૈયા, ગુડીબેન રમેશભાઇ બારૈયા, જાનુબેન મોહનભાઇ બારૈયા, રેખાબેન શાંતિભાઇ બારૈયા, ભારતીબેન ભરતભાઇ ડોણાસીયા, નરશીભાઇ આતુભાઇ, ધનજીભાઇ ભગવાનભાઇ શિયાળ, આતુભાઇ બોઘાભાઇ ડોણાસીયા, અરવિંદભાઇ ડાયાભાઇ બાંભણીયા, ડાયબેન બેચરભાઇ ચાવડા, મંજુબેન અરજણભાઇ ચાવડા, રાજુભાઇ ભીખાભાઇ બાંભણીયા, તેજુબેન આતુબેન ડોણાસીયા, કીશોરભાઇ નરશીભાઇ ડોણાસીયા, બુચેરભાઇ ડાયાભાઇ ચાવડા, ડાયાભાઇ કાળુભાઇ ડોળીયા, કેતનભાઇ માલાભાઇ શિયાળ, સવજીભાઇ સોળાતભાઇ બારેયા, ખોડાભાઇ બોઘાભાઇ ગોહીલ, શાંતિભાઇ બાલાભાઇ તથા રતનબેન સહિત 125 થી 150 મહિલા તથા પુરૂષોના ટોળા સામે હુમલો કરી માર મારી, તોડફોડ કરી ઓન પેમેન્ટ બંદોબસ્તમાં હોય તેની ફરજમાં રૂકાવટ કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરીયાદ નોંધાવી હતી.