GST રજિ. વેપારીઓને વીમા કવચ અપાશેJanuary 12, 2019

 લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકાર નાના-મધ્યમ વર્ગનાં વેપારીઓને વધુ રાહતો આપશે
 ટર્નઓવરનાં આધારે 10 લાખ સુધીના અકસ્માત વીમાની બજેટ પૂર્વે થઇ શકે જાહેરાત નવી દિલ્હી તા.12
ચૂંટણી પૂર્વે સરકાર જીએસટીમાં વધુ રાહત આપી શકે છે. જીએસટીમાં નોંધાયેલા લાખો લઘુ અને મધ્યમકક્ષાના વેપારીઓ માટે વીમા યોજના લાવવા સરકાર વિચારી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની જેમ અકસ્માત વીમા યોજના આ સેક્ટરને પૂરી પાડવા વિચારાધીન છે. વેપારીઓને પરવડી શકે એવા પ્રીમિયમે સ્કીમ ઓફર થશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વેપારીઓ માટે કાર્યરત યોજનાના આધારે આ સ્કીમ હશે. નાના વેપારીઓને ટર્નઓવરના આધારે રૂ. 10 લાખ
સુધીનું અકસ્માત વીમા કવચ મળશે. ઉપરોક્ત સ્કીમ જો સરકાર દ્વારા મંજૂર થશે તો બજેટ સત્ર પહેલા જાન્યુઆરીના અંતમાં જાહેર થઈ શકે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વાર્ષિક રૂ. 12ના પ્રીમિયમ સાથે રૂ. 2 લાખનો અકસ્માત વીમો મળે છે. જે 18 થી 70 વર્ષના વય જૂથ માટે ઉપલબ્ધ છે જે માટે તેઓની મંજૂરી જરૂરી છે.
જે વેપારીઓ કોમ્પ્યુટરાઈઝેશન અપનાવવા અને બિઝનેશ અપગ્રેડ કરવા ઈચ્છતા હશે. તેમને રાહતના દરે ફાઈનાન્સ પૂરું પાડવા વિશે પણ સરકાર વિચારી રહી છે. મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ પણ વિચારાધીન છે.