હેપ્પી બર્થ-ડે ટૂ ‘ધ-વોલ’!

નવી દિલ્હી તા.12
ક્રિકેટના ઇતિહાસમાં ધ વોલ તરીકે ઓળખાતા મહાન ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનો આજે 46મો જન્મદિવસ છે. પોતાના ક્રિકેટકાળમાં તેઓ પોતાની સાદગીને કારણે ખૂબજ જાણીતા હતા. 16 વર્ષ લાંબા ક્રિકેટર કરિયરમાં તેમણે ટીમ માટે એ દરેક ભૂમિકા નિભાવી હતી કે જે ટીમને જીત અપાવવા માટે મદદરૂપ થઇ હતી. તેઓ ટીમ માટે નિયમિત રીતે વિકેટકીપર તરીકે ભૂમિકા ભજવી નથી પરંતુ જરૂર પડવા પર તેમણે ટીમના વિકેટકીપર તરીકે પણ ફરજ બજાવી હતી. મરાઠી પરિવારમાં જન્મેલા રાહુલનો ઉછેર બેંગલુરૂમાં થયો હતો, માત્ર 12 વર્ષની ઉમરથી જ રાહુલે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. તેમણે અંડર-15, અંડર-17 અને અંડર-19 સ્તર પર કર્નાટકની ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. ભારતીય ટીમ માટે પહેલી વન-ડે 3, એપ્રીલ, 1996 અને એજ વર્ષે 20 જૂને ટીમ માટે પહેલી ટેસ્ટ મેચ રમી હતી. તેમની આ સફર 16 વર્ષના લાંબા સમયગાળા બાદ પૂરી થઇ હતી. ભારતીય ખેલ જગતમાં અદ્વિતીય યોગદાન આપવા બદલ રાહુલ દ્રવિડને દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.