કરોડોની સંપત્તિ છોડી મુંબઈનો પરિવાર ગુજરાતમાં લેશે દીક્ષાJanuary 11, 2019

 11 ફેબ્રુઆરીએ શંખેશ્ર્વર જૈન ધર્મની દીક્ષા લેશે
મુંબઈ તા,11
ભિવંડીના ગોકુલનગર ખાતે રહેતા રાકેશ કોઠારી અને તેમનો પૂર્ણ પરિવાર કરોડોની સંપતિ છોડીને વૈરાગ્યના રસ્તે નિકળી પડ્યો છે. રાકેશ કોઠારી અને તેમની પત્ની સીમા, દીકરો મીત અને દીકરી શૈલી 11 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સંખેશ્ર્વર જૈન ધર્મની દીક્ષા લેશે. તેમણે દીક્ષા લઇને જૈન ધર્મ અનુસાર સંયમિત જીવન જીવવાનો નિર્ણય કર્યો છે. તેમણે પારંપરિક રીતે બેંડબાજા સાથે વૈરાગ્યનો ઉત્સવ મનવાતા વરઘોડો કાઢ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો સામેલ થયા હતા. ગોકુલ નગર સ્થિત વીર સન્યાસ વાટિકા સુધી ગિરનાર ભાવયાત્રા અને પછી વિરતી વંદના કાર્યક્રમમાં તેમણે સન્યાસનો નિર્ણય જાહેર કર્યો.
રાકેશ કોઠારી (45) એક ટેક્સટાઈલ વેપારી છે અને તેમનો કરોડોનો વેપાર છે જ્યારે સીમા કોઠારી (43) એક ગૃહિણી છે અને તેમનો દીકરો મીત કોઠારી (21) હિંદુજા કોલેજથી બી.કોમ કર્યા બાદ
સીએના કોર્સ કરી રહ્યો છે. જ્યારે દીકરી શૈલી કોઠારી (19) ધોરણ 12 પછી ધાર્મિક શિક્ષણ લઈ રહી છે. શૈલીને સંગીતનો શોખ છે જેના કારણે તે પહેલા ઈન્ડિયન આઈડલમાં જવા માગતી હતી પરંતુ હવે પરિવારના ચારેય વ્યક્તિ દીક્ષા લેશે જેના કારણે રાકેશ કોઠારીના વેપારીથી લઈને ઘરની સારસંકાળ રાખવાવાળુ પણ કોઈ નહીં રહે.
રાકેશ કોઠારીએ કહ્યું કે, ‘મે જૈન ધર્મને સમજી લીધો છે અને શાશ્ર્વત સુખ પણ જાણી લીધુ છે. આ સુખ સાધૂના જીવનમાં જ મળી શકે છે. મોક્ષની પ્રાપ્તિ જ અંતીમ લક્ષ્ય હોય છે. તેના માટે જ મે દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. સંસારના દુ:ખ ઓછા કરવા માટે મારા સમગ્ર પરિવારે વૈરાગ્ય ધારણ કરી લીધું છે.’
તેમની સાથે ભિવંડીના જ અંજુરફાડા નજીક રહેતી વૈરાગી તાતેડ (21)એ પણ વૈરાગ્ય લીધું છે. મહાવીર ચોક સ્થિત મહાવીર રેસિડેન્સીમાં રહેવાવાળી વૈરાગીએ પણ 11 ફેબ્રુઆરીના રોજ સંખેશ્ર્વર ખાતે વૈરાગ્ય લેવાનું નકકી કર્યું છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ વૈરાગીએ 2013માં પાલિતાણામાં ચાતુર્માસ પણ કર્યા હતા.