પત્રકારની હત્યા કેસમાં રામ રહીમ વિરુધ્ધ આજે ચુકાદોJanuary 11, 2019


ચંડીગઢ તા,11
એક પત્રકારની હત્યાના મામલે પંચકૂલા કોર્ટ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ વિરુદ્ધ આજે ચુકાદો આપી શકે છે. આજે ચુકાદો આવવાની શક્યતાને ધ્યાનમાં લઈને હરિયાણા અને પંજાબના અનેક વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ આ
મામલે આરોપી છે. હરિયાણામાં ખાસ કરીને પંચકૂલા, સિરસા (ડેરા હેડક્વાર્ટર), અને રોહતક જિલ્લાઓમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે. કાયદા વ્યવસ્થા સંબંધિત કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સશસ્ત્ર પોલીસની અનેક કંપનીઓ, રમખાણ વિરોધી પોલીસ અને કમાન્ડો દળને તહેનાત કરાયા છે.
હરિયાણાના પોલીસ અધિકારી મોહમ્મદ અકીલે કહ્યું કે હરિયાણામાં સુરક્ષા ચુસ્ત કરાઈ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ જિલ્લાની પોલીસને લોકોને કારમ વગર ભેગા થતા રોકવા અને વધુ નિગરાણી રાખવાના નિર્દેશ અપાયા છે. તેમણે કહ્યું કે અનેક જિલ્લાઓમાં નાકાબંધી પણ કરાઈ છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે સિરસામાં ડેરા સચ્ચા સૌદાના હેડક્વાર્ટરની નજીક વધારાનો પોલીસ કાફલો તહેનાત કરાયો છે. ઓગસ્ટ 2017માં રામ રહીમને સજા સંભળાવાયા બાદ હરિયાણાના સિરસા અને પંચકૂલામાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં 40થી વધુ લોકોના મોત થયા હતાં. તથા અનેક લોકો ઘાયલ થયા હતાં. 51 વર્ષનો રામ રહીમ તેની બે અનુયાયીઓ પર બળાત્કારના મામલે રોહતકની સુનારિયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે.