અલ્પેશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ બની શકે

  • અલ્પેશ ઠાકોર ગુજરાત  કોંગ્રેસના ઉપપ્રમુખ બની શકે

 ખુદ ભાજપનાં જ અમૂક નેતાઓએ અલ્પેશને ભાજપમાં ભળતા અટકાવ્યા
નવી દિલ્હી તા,11
ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રસના કકળાટથી કંટાળી હવે કેસરીયો ખેસ ધારણ કરવાના હોવાની અફવાએ જોર પકડ્યું છે. પણ ખુદ વાસ્તવિકતા એ છે કે ભાજપે જ અલ્પેશ માટે દરવાજા બંધ કરી રાખ્યા છે. ભાજપના નેતાઓનો દાવો છે કે પરપ્રાંતિય મુદ્દે અલ્પેશે ગુજરાતને દેશભરમાં ખૂબ વગોવ્યુ છે. ભાજપની ગુજરાત સરકારની રાજકીય છબી ખરડાઈ છે. અલ્પેશને લેવા માટે અંદરોઅંદર વિરોધ થઈ રહ્યા છે. આ કારણે અલ્પેશ માટે કોંગ્રેસ સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નથી.લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસમાં તડા પડવા લાગ્યા છે. એક તરફ સિનીયર નેતાઓ છે તો બીજી તરફ નવોદિત્ત નેતાઓને પદ માટેની લાલસા હોય તેવું સાફ દેખાઈ રહ્યું
છે. આ વચ્ચે ખબરો આવી છે કે અલ્પેશ ઠાકોર ગુજરાતમાં કોંગ્રેસના ઉપનેતા બની શકે છે. દિલ્હીના હાઈકમાન્ડે અલ્પેશને બોલાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. જોકે પરપ્રાંતિયો મુદ્દે અસંતોષ હોવાના કારણે અલ્પેશ પાસેથી બિહારના સહ પ્રભારીનું પદ છિનવી લેશે. પરપ્રાંતિયો મુદ્દે થયેલા આક્ષેપોના કારણે અલ્પેશને બિહારમાં પગ મુકવો પણ મુશ્કેલ પડ્યો હતો. આ સંજોગોમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે મીટીંગ મળી હતી જેમાં શૈલેષ પરમારે મહત્વની ભૂમિકા ભજવી હતી.
હાઈકમાન્ડે તો એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે. એક તો શૈલેષ પરમારને ઉપનેતાના પદેથી હટાવશે અને બીજુ એ જ જગ્યા અલ્પેશ ઠાકોરને મળશે. એટલે કે અસંતુષ્ટ નેતાઓ માટેની પણ કામગીરી થશે. બીજુ કે સહપ્રભારી પદેથી અલ્પેશને હટાવી હાઈકમાન્ડે કામગીરી કરી હોવાનું પણ કોંગ્રેસ કહી શકશે. આમ જૂથવાદ ઠારવા દિલ્હીમાં કવાયત શરૂ કરવામાં આવી છે.

બળતામાં હોમાયું હતું ઘી
ભાજપમાં જોડાવાની હોવાની વાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ખુદ સિનિયર નેતાઓ જ પક્ષથી નારાજ છે. ત્યારે કોંગ્રેસના કકળાટમાં બળતામાં ઘી હોમવાનું કામ ભાજપે કર્યું હતું અને દૂરથી ઉભા રહી મઝા લીધી હતી. અલ્પેશ ઠાકોર અંગે નીતિન પટેલે નામ લીધા વિના નિવેદન આપી કોંગ્રેસમાં ફેલાયેલા કકળાટને ઘેરો કર્યો હતો. જેના કારણે હાલ અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું તેડુ આવ્યું હતું. અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં કોંગ્રેસમાં એક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ઉપરથી ગુજરાતના ઠાકોરો પર તેમનું વર્ચસ્વ હોવાથી લોકસભાની ચૂંટણીમાં તે કોંગ્રેસને કામ આવી શકે છે, પરંતુ કેટલાક સમયથી કોંગ્રેસ મધપૂડાની માખીઓ જેવું કામ કરી રહી છે. જે એક જગ્યાએ ટકી અને ભેગી નથી થઈ રહી. ઉપરથી સિનીયરો અને નવોદિત નેતાઓ વચ્ચે કશ્મકશ ચાલી રહી છે. આવા માહોલમાં જો અલ્પેશ ભાજપમાં જોડાઈ જાય તો ગુજરાત કોંગ્રેસને ભોગવવાનો વારો આવી શકે તેવી સ્થિતિનું સર્જન થઈ શકે તેમ છે. એક સમયે નવસર્જન માટે પંકાયેલી કોંગ્રેસમાં જ વિસર્જનની સ્થિતિ પેદા થાય તેવું દિલ્હી હાઈકમાન્ડ કરવા નથી માગતી અને એટલે જ અલ્પેશને દિલ્હીનું તેડુ આવ્યું છે.