‘દારૂ’ આપ્યો કુરિઅરમાં!January 10, 2019

 સુરેન્દ્રનગરમાં કુરિઅરની ઓફિસમાંથી 143 બોટલ દારૂ પકડાયો
વઢવાણ તા.10
સુરેન્દ્રનગરમાં વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર આવેલ પુનમ કુરીયરની ઓફીસમાં પોલીસે દરોડો પાડી 143 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી બે શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી.
સુરેન્દ્રનગર એલસીબી પોલીસને બાતમી મળેલ કે વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર આવેલ પુનમ કુરીયર પ્રા.લી.ની ઓફીસમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારાયો છે. આથી બાતમીના આધારે પોલીસ દ્વારા વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર હરીકાંત શોપીંગ સેન્ટરમાં આવેલ પુનમ કુરીયર પ્રા.લી.ની ઓફીસમાં રેડ કરી તપાસ હાથ ધરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 143 બોટલ કિંમત 57200 નો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો તથા એક મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કુરીયરના સંચાલક રતનપર શેરી નં.9 માં રહેતા મનજીભાઇ વશરામભાઇ વાઘેલા અને ખાટકીવાસમાં રહેતા નઝીર વલ્લી હુશેન સામે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રતનપરમાં 80 હજારની ચોરી
સુરેન્દ્રનગરમાં રતનપરમાં મકાન માલીક દર્શન કરવા ગયાને બંધ મકાનને નિશાની બનાવી તસ્કરોએ 80 હજારની મતાની ચોરી કરી હતી.
સુરેન્દ્રનગરના રતનપરમાં દેવનગર વિસ્તારમાં રહેતા જીજ્ઞેશભાઇ મયુરભાઇ વિઠ્ઠલાપરા તેમના પરીવાર સાથે તા.8/1 ના રોજ બીજ હોવાથી અડવાળ રામાપીરના મંદિરે દર્શન કરવા ગયેલ ત્યારે પાછળથી કોઇ તસ્કરોએ બંધ મકાનનું તાળુ તોડી મુખ્ય દરવાજો તોડી તિજોરીમાં હાથફેરો કરી રૂા.80 હજારની મતા ચોરી થયેલ છે પરંતુ આ અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ થયેલ નથી.