IRCTCથી એર ટિકિટ ખરીદી પર મળશે 50 લાખનો વીમો

નવી દિલ્હી તા,10
ફેબ્રુઆરીથી જો તમે આઈઆરસીટીસી દ્વારા એર ટિકિટ ખરીદશો તો તમને ફ્રીમાં 50 લાખ રૂપિયાનો વીમો મળશે. આઈઆરસીટીસી ભારતીય રેલનું ઈ-ટિકિટિંગ અને કેટરિંગ આર્મ છે. જણાવી દઈએ કે, તમામ ખાનગી ટ્રાવેલ પોર્ટલ એર ટ્રાવેલ ઈનશ્યોરન્સ માટે એક નિશ્ર્ચિત રકમ વસૂલે છે. આઈઆરસીટીસીના ચેરમેન એમ.પી.માલે કહ્યું કે, ફ્રી ટ્રાવેલ વીમો તમામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય રૂટના ફલાઈટ પેસેન્જર્સને મળશે. ટિકિટ કોઈપણ કલાસની હોય વીમો મળશે. દુર્ઘટનામાં મોત કે સંપૂર્ણ અપંગતાની સ્થિતિમાં પેસેન્જરના પરિવાર અને પીડિતને નાણાંકીય સુરક્ષા મળશે.
આઈઆરસીટીસીએ કહ્યું કે, યાત્રીઓની સુરક્ષા માટે વીમા પ્રીમિયમનો ખર્ચો પોતે ઉઠાવશે. આઈઆરસીટીસી ચેરમેન માલે જણાવ્યું, હવાઈ મુસાફરીને અવરોધ રહીત બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે. આઈઆરસીટીસીના એર ટિકિટિંગ પોર્ટલ પરથી બુક
કરાવાયેલા વન વે અને રાઉન્ડ ટ્રિપ્સ, બન્ને પ્રકારની ટિકિટો પર ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કવર મળશે. અધિકારીઓના મતે અન્ય ટ્રાવેલ પોર્ટલ્સને પડકાર આપવા ગૂગલ સાથે પણ કરાર કરવાની યોજના બનાવી રહ્યા છે.
સૂત્રોના મતે હાલ આઈઆરસીટીસી પ્લેટફોર્મ પરથી 6 હજાર એર ટિકિટ બુક થાય છે. અન્ય ટ્રાવેલ પોર્ટલ પ્રતિ ટિકિટ 200 રૂપિયા સુધીની ફી લે છે જ્યારે આઈઆરસીટીસી 50 રૂપિયા લે છે અને કોઈ કેન્સલેશન ચાર્જ પણ લેવાતથો નથી. આઈઆરસીટીસી હોટલ બુકિંગની પણ સુવિધા પુરી પાડે છે, જેની કોઈ ફી વસુલાતી નથી. એમ અધિકારીએ કહ્યું, ‘અમે અમારા વફાદાર ગ્રાહકોને કેશબેક આપવા માટેની પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ.’