કચ્છમાં જિલ્લા કોંગ્રેસ મંત્રીનો માથામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ

 અંજારમાં પોતાની ઓફિસમાં જ જાતે ગોળી મારી; ખાનગી હોસ્પિટલમાં સારવાર
ભુજ તા.8
કચ્છમાં જિલ્લા કોંગ્રેસ મંત્રીએ પોતાની જ ઓફિસમાં માથામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. માથામાં ગોળી વાગવાથી હાલત ગંભીર બનતા ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આપઘાતમાં પ્રયાસના કારણ મુદ્દે પોલીસે જાણે બનાવ સામે આંખ ખાડા કાન કર્યા હોવાની વિગતો સમગ્ર કચ્છમાં ધુમરાઈ રહી છે.
કચ્છ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના પૂર્વ જિલ્લા પ્રમુખ, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જિલ્લા કોંગ્રેસના મંત્રી મહેશ ચમનભાઈ આહીર (ઉં.વ. 32, રહે. ઘનશ્યામનગર, અંજાર)એ પોતાના માથામાં લાયસન્સવાળી બંદૂકથી ગોળી મારી, આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે.
ગત ચોથી તારીખે રાત્રે 10 વાગ્યાના અરસામાં મહેશભાઈએ તેમની સવાસર નાકે આવેલી ઓફિસમાં માથામાં જમણી બાજુ
(અનુસંધાન પાના નં. 8)
ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તુરંત અંજારમાં ડોક્ટર શ્યામસુંદરની હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જો કે, હાલત ગંભીર હોઈ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવાયાં હતા.
તબિયત નાજુક બનતાં મહેશભાઈને રાજકોટમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયાં છે. હાલ તે બેશુદ્ધ અવસ્થામાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું.
મહેશ આહિર અંજાર વિધાનસભા બેઠકના કોંગ્રેસના યુવા અને અગ્રણી નેતા છે અને તેઓ ગત વિધાનસભા ચૂંટણીમાં અંજાર બેઠકના દાવેદારો પૈકીના એક મજબૂત દાવેદાર ગણાતા હતા. પ્રદેશ સ્તરે કોંગ્રેસના નેતાઓ સાથે સંબંધો ધરાવતાં મહેશ આહીર મુંદરાના મોખા ટોલનાકામાં અગાઉ ભાગીદારી ધરાવતા હતા, જયારે અંજારના ચાંદ્રોડામાં તેમનો એક પેટ્રોલપંપ પણ આવેલો છે. ગત શુક્રવારની રાત્રે બનેલી ચકચારી ઘટના અંગે અંજાર પોલીસે ઢાંકપિછોડો કર્યો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.