ઇંડાની લારીઓવાળાને મેયરે ખદેડાતા વિરોધ

 મેયરે પોતાના વોર્ડમાંથી ન્યુસન્સની સફાઇ શરૂ કરી
 ટોળું મનપા કચેરીએ ધસી ગયું, સ્ટે. ચેરમેનને રજૂઆત
રાજકોટ તા.પ
રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર ખાણીપીણીની લારીઓનો સતત ભરાવો રહેતો હોય છે. મહાપાલીકા દ્વારા નિયત સ્થળે લારી રાખવા માટેનું ભાડુ વસુલવામાં આવતું હોય છે પરંતુ દબાણ કરીને ઉભા રહેતા લારીઓવાળા પાસેથી હપ્તા લઇને ઉભા રહેવાની પરમીશન આપી દેવામાં આવતી હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. તેવી જ રીતે કાલાવડ રોડ ઉપર વર્ષોથી ઉભા રહેતા ઇંડાની લારીઓવાળા સહિતનાઓને અચાનક હટાવવામાં આવતા દેકારો બોલી ગયો હતો. અસરગ્રસ્તોએ મનપા ખાતે ધસી જઇને સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડને રજૂઆત કરતા તેમને બે દિવસનો સમય આપ્યો છે.
શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર પાણીના ટાંકાની બાજુમાં વર્ષોથી ઉભા રહેતા ઇંડાની લારીઓવાળા તેમજ અન્ય ખાણીપીણીના ધંધાર્થીઓને મેયર બીનાબેન આચાર્યના આદેશથી ગઇકાલે ખસેડવામાં આવતા ધંધાર્થીઓમાં રોષ વ્યાપી ગયો હતો. આ લોકોને પોતાના સ્થળ ઉપરથી ખસેડવાની સાથોસાથ તેઓને મોટામવા સ્મશાનની બાજુમાં આવેલ પ્લોટ ઉપર ઉભુ રહેવાનું કહેતા ધંધાર્થીઓમાં ગુસ્સો વ્યાપી ગયો હતો અને આજરોજ સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડને રોજીરોટી માટે ધારદાર રજૂઆત કરી હતી.
કાલાવડ રોડ ઉપર મનપાના વોટર વર્કસની બાજુમાં વર્ષોથી ઉભા રહેતા ખાણીપીણીના ધંધાર્થીઓને ગઇકાલે મેયરની સુચનાથી હટાવવામાં આવેલ. જેથી આ લોકોએ આજરોજ સ્ટે. ચેરમેનને રજુઆત કરી જણાવેલ કે અમે લોકો ર0 વર્ષથી આ સ્થળે ઉભા રહી ધંધો કરી રહ્યા છીએ. કયારેય કોઇ જાતની ફરીયાદ આ વિસ્તારમાંથી કે અમારા તરફથી થઇ નથી છતા એકતરફી નિર્ણય લઇ અમારી જાણ બહાર અમને આ સ્થળેથી ખસેડી બેરોજગાર કરવામાં આવ્યા છે અને સાથોસાથ એસ્ટેટ વિભાગે જણાવ્યા મુજબ મોટા મવા સ્મશાનની બાજુમાં આવેલ ખાલી પ્લોટમાં આવેલ જગ્યા ફાળવવાનું આશ્ર્વાસન આપવામાં આવ્યું છે પરંતુ ઉપરોકત સ્થળ ખાણીપીણીના ધંધાર્થીઓને માફક આવે તેમ નથી. કારણ કે લોકો સ્મશાનની બાજુમાં ઉભા રહીને નાસ્તો કરે તેવું કલ્પી શકાય નહીં આથી અમને બેરોજગાર ન કરી અન્ય નજીકના સ્થળે હોકર્સ ઝોન ફાળવવામાં આવે તેમ જણાવ્યું હતું.
કાલાવડ રોડના ધંધાર્થીઓ દ્વારા જણાવવામાં આવેલ કે અગાઉ એસ્ટેટ વિભાગ અને જગ્યા રોકાણ શાખા દ્વારા અમને જગ્યાના ભાડાની પહોંચ આપવામાં આવતી હતી પરંતુ થોડા સમયથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા અમુક કર્મચારી દ્વારા રોકડ હપ્તો લઇ તમારો વાળ પણ વાંકો નહીં થાય તેવું જણાવી આશ્ર્વાસન અપાતું હતું. આથી તમામ ધંધાર્થીઓને કાલાવડ રોડ વોટર વર્કસની આજુબાજુમાં મુખ્ય માર્ગ ઉપર હોકર્સ ઝોન ફાળવવામાં આવે તે પ્રકારની રજુઆત સ્ટે. ચેરમેનને કરવામાં આવી હતી તેમજ મેયર દ્વારા રાતોરાત ધંધાર્થીઓને ખસેડવામાં આવતા રોષ વ્યાપ્યો હતો. આજરોજ ધંધાર્થીઓએ સૌપ્રથમ મેયરને મળવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ મેયર આઉટ ઓફ સીટી હોવાથી સ્ટે. ચેરમેનને રોષપૂર્વક રજૂઆત
કરી હતી.