થાન નજીક મેલડી મંદિરના પૂજારીની હત્યાથી ભારે ખળભળાટDecember 22, 2018

લૂંટના ઇરાદે વયોવૃધ્ધ પૂજારીની હત્યા થઇ છે કે અન્ય કોઇ કારણ: તપાસનો ધમધમાટ
વઢવાણ તા.2ર
સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામે આવેલ મેલડી માતાજીના વયોવૃધ્ધ મહંત-પૂજારીની ઘાતકી હત્યાના બનાવથી ભારે ચકચાર જાગી છે. વર્ષોથી માતાજીની સેવા-પૂજા કરતા પૂજારીની હત્યા કયાં કારણોસર થઇ છે? તે મુદ્દે તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી થઇ છે. હત્યા, લૂંટ કે અન્ય કોઇ કારણોસર થઇ છે કે કેમ? તે મુદ્દે પોલીસે ઘટનાસ્થળે ધસી જઇ તપાસનો ધમધમાટ આદર્યો છે.
આ ચોકાવનારા બનાવની પોલીસમાંથી મળતી વિગત એવી છે કે વૃધ્ધ મેલડી માતાના મંદિરના પુજારીનું ખુન થતા લોકો દોડી આવ્યા હતા. થાન-તરણેતર રોડ ઉપર આવેલ થાન રેલ્વે સ્ટેશન નજીકમાં તરણેતર રોડ ઉપર મેલડી માતાનું મંદિર આવેલ છે. આ મંદિરમાં રામદાસબાપુ ઉર્ફે અઘોરી (ઉ.વ.80) મુળ રહેવાસીવાળા તા.કોડીનારના થાન-તરણેતર રોડ ઉપર મેલડી માતાના મંદિરે સેવાપુજા કરતા હતા તેની શુક્રવારની રાતના 1ર વાગ્યાથી સવાર સુધીમાં માથામાં બોથડ પદાર્થ મારી ખુન થયેલ છે. થાન પોલીસ ઘટનાસ્થળે પહોચી છે. દરમ્યાન થાન પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પી.એમ. અર્થે સરકારી દવાખાને ખસેડી મંદિરમાં તપાસ આદરી છે. આ ઘાતકી હત્યા લૂંટના ઇરાદે થઇ હોવાની શંકા પરથી પોલીસે તે મુદ્દે પણ તપાસ જારી રાખી છે. આ ચકચારી હત્યાના સમાચાર વાયુવેગે શહેરમાં ફરી વળતા લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. હત્યાના બનાવે અનેકવિધ ચર્ચા વહેતી થઇ છે.