હવે સરકાર કાયદેસર તમારું કોમ્પ્યુટર હેક કરીને કરશે તમારી જાસૂસી..!December 21, 2018

 સુરક્ષાનું બહાનું ધરી સરકારે ઉઠાવ્યું પગલું: ઓવૈસીએ કટાક્ષ કર્યો- હવે ઘર ઘર મોદી
નવી દિલ્હી તા.21
કેન્દ્રીય ગૃહમંત્રાલયે અસંભવિત પગલું ઉઠાવતા ગઇકાલે 10 કેન્દ્રીય એજન્સીઓને દેશમાં ચાલી રહેલા કોઇ પણ કોમ્પ્યુટરનું હેકિંગ કરીને જાસુસી કરવા માટેની પરવાનગી આપી છે. ગૃહમંત્રાલયનાં આદેશ અનુસાર દેશની આ સુરક્ષા એજન્સીઓ કોઇ પણ વ્યક્તિના કમ્પ્યુટરમાં જનરેટ, ટ્રાન્સમિટર, રિસીવ અને સ્ટોર કરવામાં આવેલા કોઇ પણ દસ્તાવેજને જોઇ શકે છે. આ સરકારી આદેશ અંગે અસદુદ્દીન ઓવૈસીએ તેની આલોચના કરતા કહ્યું કે, ઘર-ઘર મોદી.
ગૃહમંત્રાલયનાં આદેશ અનુસાર ઇન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો, પ્રવર્તન નિર્દેશાલય (ઇડી), સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, સીબીઆઇ, એનઆઇએ, કેબિનેટ સેક્રેટોરિએટ (રો) ડાયરેક્ટરેટ ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને દિલ્હીનાં કમિશ્નર ઓફ પોલીસને દેશમાં ચાલનારા તમામ કમ્પ્યુટરની જાસુસીને મંજુરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારનાં આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીનીના અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે માત્ર એક સામાન્યથી સરકારી આદેશ દ્વારા દેશમાં તમામ કમ્પ્યુટરની જાસુસીનાં આદેશ આપ્યા છે. ઓવૈસીએ કહ્યું કે, શું કેન્દ્ર સરકાર આ નિર્ણયથી ઘર-ઘર મોદીનું પોતાનું વચન નિભાવી રહ્યા છે.
આ સાથે જ ઓવૈસીએ કહ્યું કે, 1984માં તમારૂ સ્વાગત છે.