માલદીવ્ઝને 1.4 અબજ ડોલરની ભારતીય સહાયDecember 18, 2018

 ચીનના આર્થિક પ્રભાવ વચ્ચે માલદીવ્ઝ પ્રમુખનો ભારત સાથે મૈત્રીરાગ
નવી દિલ્હી તા.18
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ્ઝના પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલી સાથે સુરક્ષા સહકાર સહિતને મુદ્દે વ્યાપક વાટાઘાટ કર્યા પછી માલદીવ્ઝને 1.4 અબજ ડોલરની મદદની જાહેરાત કરી હતી. બંને દેશો વચ્ચે વીઝા સુવિધા સહિત ચાર કરાર કરવામાં આવ્યા હતા.
અમે સુમેળભર્યા વાતાવરણમાં સફળ વાટાઘાટ કરી હતી અને અમે સંબંધોને મજબૂત કરવાનું વચન આપ્યું હતું, ‘એમ મોદીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું. બંને દેશોની સુરક્ષાના હિતો જોડાયેલાં છે અને બંને દેશો ભારતીય સમુદ્ર વિસ્તારમાં એકબીજાના સહકારથી દ્વિપક્ષી સંબંધો મજબૂત કરશે. અમે એકબીજાના દેશોમાં એકમેકનાં હિતોને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓને મંજૂરી આપીશું નહીં, એમ મોદીએ કહ્યું હતું.
માલદીવ્ઝના નવા પ્રમુખે કહ્યું હતું કે, ‘ભારત અમારો સૌથી નજીકનો મિત્ર છે.’ માલદીવ્ઝમાં બીજિંગના ઘણા વર્ષોથી વધતા આર્થિક પ્રભાવ પછી નવી દિલ્હીએ તેમના શબ્દોને આવકાર્યા હતા. માલદીવ્ઝના પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહે કહ્યું હતું કે ભારત અમારો અંગત મિત્ર જ નહીં પણ અમારો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર પણ છે. ભારતીય કંપનીઓ માલદીવ્ઝમાં વેપાર માટે ઉત્તમ તક હોવાનું પણ જાહેર કરાયું હતું.