મિસકેરેજ પછી સચોટ આયુર્વેદિક ઉપચાર

સાયલીનાં લગ્નને હજુ એક જ વર્ષ થયું હતું અને તેને છેલ્લા માસમાં મિસકેરેજ થઈ ગયું. શારીરિક-માનસિક વ્યથા સાથે આગામી સફળ માતૃત્વ માટેની આશંકા સાથે આયુર્વેદિક ઉપચાર માટે આવેલી. વર્તમાન સમયમાં મિસકેરેજનું પ્રમાણ વધી રહ્યું છે.
આયુર્વેદમાં આ અંગે પ્રાચીનકાળથી સગર્ભાવસ્થાની વિશિષ્ટ કાળજી લેવાનો નિર્દેશ છે. સાયલીને આયુર્વેદના સિદ્ધાંત મુજબ મિસકેરેજ પછી તરત જ થોડાં સમય ખાન-પાનની કાળજી રાખવા કહ્યું અને માનસિક શાંતિ અને હોર્મોન બેલેન્સ માટે પંચકર્મ તથા ધ્યાનયોગ ચિકિત્સા કરાવી. આગામી બાળક માટે ગર્ભસંસ્કારનું મહત્વ સમજાવ્યું અને આયુર્વેદિક ગર્ભસંસ્કાર તથા ધ્યાનયોગનાં સમન્વયથી તેને પુન: નિરાપદ સગર્ભાવસ્થાને અંતે સ્વસ્થ, તેજસ્વી શિશુનાં માતૃત્વનો લાભ મળ્યો.
આયુર્વેદમાં ચારકસંહિતામાં શરીર સ્થાનમાં જાતિસૂત્રીય અધ્યાયમાં મિસકેરેજને ‘ગર્ભસ્ત્રાવ’ કે ‘ગર્ભપાત’ તરીકે વર્ણન કરેલ છે. આયુર્વેદ પ્રમાણે અપાનવાયુનું કાર્ય અસંતુલિત થવાથી મિસકેરેજ થાય છે. પરંતુ કેટલાંક વિશિષ્ટ કારણોને પણ આયુર્વેદ મિસકેરેજ માટે જવાબદાર ગણે છે:
- સગર્ભા માતાની નકારાત્મક લાગણીઓ જેમકે, રોષ, અયોગ્ય ઈચ્છાઓ, અન્યની બુરાઈ કરવી, પીડા, દુ:ખ, માનસિક સંતાપ.
- બીમારી, સગર્ભાવસ્થામાં અસ્વચ્છ પદાર્થોનો ઉપયોગ, પિત્ત દૂષિત થાય એવો આહાર, વાયુ અસંતુલન થાય એવો આવેશપૂર્ણ વ્યવહાર, વધુ પડતાં ગરમ અને વાસી પદાર્થોનું સેવન, માનસિક તણાવ, ઉગ્ર-પ્રચંડ દુસાહસી યાત્રા, શરમજનક અનુભવ.
ઉપરોકત કારણો ઉપરાંત આયુર્વેદ અનુસાર સ્ત્રીબીજ અને પુરુષબીજ અપૂરતાં પ્રમાણમાં કે અપોષિત અને અયોગ્ય કાળમાં ગર્ભાધાન થયું હોય તો પણ મિસકેરેજ થવાની પૂરી શકયતા રહે છે.
: મિસકેરેજનાં અન્ય કારણો :
* શારીરિક-માનસિક તણાવ કે ચિંતા, માનસિક આઘાત.
* સગર્ભા માતામાં કુપોષણ અથવા વધુ ઉંમર હોવી.
* માતાનાં શરીરમાં બીમારી કે ઇન્ફેક્શન કે જનીન સંબધિત સમસ્યાઓ.
* થાઇરોઇડની તકલીફ, કિડનીને સંબંધિત બીમારી, ડાયાબિટીસ, રુમેટોઇડ આર્થરાઈટીસ, વગેરે.
* તમાકુ, ધુમ્રપાન, આલ્કોહોલ જેવાં વ્યસન.
* ગર્ભાશયની કે ગર્ભાશયના મુખની ખામી, હોર્મોન્સની અનિયમિતતા, પ્રોજેસ્ટેરોનનું ઓછું લેવલ.
: મિસકેરેજનાં લક્ષણો :
સામાન્ય રીતે સગર્ભાવસ્થાનાં પ્રથમ બાર સપ્તાહમાં મિસકેરેજ વધુ થતાં હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર પ્રથમ ચાર થી છ સપ્તાહમાં મિસકેરેજની સૌથી વધુ શકયતા હોય છે, પછી આઠમાં કે નવમા અઠવાડિયામાં ગર્ભસ્થ શિશુનાં હૃદયસ્પંદન મળે પછી શકયતા ઘટતી જાય છે, પરંતુ વીસ થી બાવીસ અઠવાડિયા સુધી સાવધાની રાખવી જરૂરી છે. મિસકેરેજનાં લક્ષણો મુખ્યત્વે:
*થાક લાગવો, કમરના નીચેના ભાગમાં દુ:ખાવો થવો.
* યોનિમાર્ગથી રક્તસ્ત્રાવ કે ગુલાબી અથવા અલગ પ્રકારનો સ્ત્રાવ થવો.
* પેટમાં અસહ્ય દુ:ખાવો થવો અને મરોડ આવવી.
: મિસકેરેજનાં આયુર્વેદિક ઉપચાર :
આયુર્વેદ અનુસાર શતાવરી, આમળાં, અપરાજીતા, અરડૂસી, હળદર, હીરાબોલ, હિંગ અને ફ્લઘૃત, ગર્ભપાલ રસ તથા અન્ય રસૌષધી સાગર્ભવસ્થામાં તથા મિસકેરેજ પછી મદદરૂપ થાય છે.
આયુર્વેદ પંચકર્મની શિરોધારા, શિરોપીચુ, પાદાભ્યન્ગ જેવી તણાવ મુક્તિની પ્રક્રિયાઓ વિશેષ સહાયક થાય છે. પુન: સગર્ભાવસ્થા પૂર્વે વિરેચન, બસ્તિ, ઉત્તર બસ્તિ,વગેરેથી શુદ્ધિકરણ કરાવી અને આયુર્વેદિક ઔષધો લઈને ગર્ભસંસ્કાર મુજબ ખાન-પાનનું પાલન કરવાથી ફરી મિસકેરેજની શકયતા નહીંવત રહે છે.
: મિસકેરેજ - ધ્યાનયોગ ચિકિત્સા :
ધ્યાનયોગ શાસ્ત્ર અનુસાર ગર્ભધારણમાં અડચણ કે મિસકેરેજનું મુખ્ય કારણ નાભિચક્રનું અસંતુલન છે. અસંતોષ, અસમાધાન, અતૃપ્તિ મિસકેરેજ માટે જવાબદાર છે. આ માટે ગર્ભધારણ પૂર્વે તેમજ સગર્ભાવસ્થામાં નિયમિત ધ્યાનયોગનો અભ્યાસ કરવાથી આવાં નકારાત્મક માનસિક ભાવોથી મુક્તિ મળે છે અને હોર્મોન્સનું પણ સંતુલન રહે છે. સવાસન, દીર્ઘ શિથિલિકરણનો અભ્યાસ પણ ખૂબ સહાયક નીવડે છે. હિમાલયના પ્રાચીન સમર્પણ ધ્યાનયોગ અંતર્ગત નિયમિત ધ્યાનનાં અભ્યાસ બાદ પુણ્યાત્મા અવતરણની વિશેષ પ્રક્રિયા અનુસાર ઉચ્ચ કક્ષાની આત્માઓનું અવતરણ થઈ રહ્યું છે. આ સૂક્ષ્મ આધ્યાત્મિક પ્રક્રિયામાં સગર્ભાવસ્થા અંતર્ગત મિસકેરેજની સંભાવના નહીંવત રહે છે.
: મિસકેરેજ અટકાવવા આટલું જરૂર કરવું :
* પતિ-પત્ની બંનેએ ગર્ભસંસ્કારનું મહત્વ સમજી સગર્ભાવસ્થાની ઉચિત વ્યવસ્થા કરવી.
* ગર્ભધારણ પૂર્વે પંચકર્મની પ્રક્રિયાઓ દ્વારા દેહશુદ્ધિ અને મન:શુદ્ધિ અવશ્ય કરાવવી.
* માતા બનતાં પૂર્વે વૈદ્યની સલાહ અનુસાર સ્ત્રીએ ગર્ભાશયની શુદ્ધિ કરાવવી.
* સગર્ભાવસ્થામાં ઉષ્ણ,વાસી ભોજન, માનસિક દબાવ, દુ:સાહસી યાત્રા, અયોગ્ય શારીરિક વ્યાયામથી દૂર જ રહેવું.
* સગર્ભાનો આહાર સુપાચ્ય, પોષક, સૌમ્ય અને ઉચિત પ્રમાણમાં સ્નિગ્ધ હોવો જોઈએ.
* સગર્ભાને વિષ, વિષાક્ત દ્રવ્યો અને માનસિક આઘાતોથી બચાવવી.
* સુમધુર શાસ્ત્રીય સંગીત, ધ્યાનયોગ અને શિથિલિકરણનો અભ્યાસ ખૂબ મદદરૂપ થઈ શકે છે.
* પિત્ત વધારે એવો ગરમ ખોરાક ન લેવો, સગર્ભાવસ્થામાં કોઈપણ ભોગે કબજિયાત ન રહે એનું ખાસ ધ્યાન રાખવું.
* સગર્ભાવસ્થામાં પપૈયું અને અનાનસ ન લેવાં. સફરજન, સંતરા, તરબૂચ, વગેરે ઠંડાં ફળો યોગ્ય માત્રામાં લઇ શકાય.
* બહારનું ભોજન તદ્દન ન લેવું, ઘરે બનાવેલ, તાજું, ગરમ, પૌષ્ટિક ભોજન જ લેવું, પાણી પણ ઉકાળીને પીવું.
* પ્રકૃતિ અનુસાર સરળતાથી પચી જાય એવું જ ભોજન લેવું.
(ઉપરોક્ત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદ,
યોગ નિષ્ણાંતની સલાહ પછી જ કરવો)