મીઠાપુરમાં હાફ મેરેથોનમાં 300 ખેલાડીઓએ ભાગ લીધોDecember 31, 2018

જામ ખંભાળિયા તા. 31
ટીસીએલનાં મીઠાપુર પ્લાન્ટનાં ભૂતપૂર્વ હેડ સ્વ. આર. પ્રભાકરની યાદમાં ફિઝિકલ ફિટનેસને પ્રોત્સાહન આપવા દર વર્ષે મેરેથોન યોજાય છે.
ટાટા કેમિકલ્સ દ્વારા પ્રાયોજિત હાફ મેરેથોન (21.0975 કિલોમીટર) રવિવાર તા. 30મી ડિસેમ્બરનાં રોજ મીઠાપુરમાં યોજાઈ હતી. એનો ઉદ્દેશ સૌરાષ્ટ્ર વિસ્તારમાં શારીરિક ફિટનેસ અને રમતગમતને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સનાં ભૂતપૂર્વ પ્લાન્ટ હેડ સ્વ. આર. પ્રભાકરની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ થયું હતું.
આ મેરેથોનમાં જામનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, મીઠાપુર વગેરે જેવા જુદાં જુદાં શહેરોમાંથી 300 દોડવીરો સામેલ થયાં હતાં.
આ હાફ મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ 75 રનર્સને ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ પ્લાન્ટ હેડ સ્વ. આર પ્રભાકરની યાદમાં વર્ષ 1995થી આ હાફ મેરેથોનનું આયોજન દર વર્ષે થાય છે. સ્વ. શ્રી પ્રભાકર ટાટા કેમિકલ્સ સાથે 25 વર્ષ સુધી જોડાયેલા હતાં તથા રમતગમતનાં શોખીન અને ફિટનેસ જાળવવાનાં આગ્રહી હતાં. એમની યાદને જાળવવા અને રમતગમત પ્રત્યેનો શોખ વિકસાવવા આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે.
ટાટા કેમિકલ્સ લિમિટેડ, મીઠાપુરનાં ઉત્પાદન વિભાગનાં વાઇસ પ્રેસિડન્ટ એન કામથે મેરેથોન ડેની સફળતા પર કહ્યું હતું કે, આ હાફ મેરેથોનથી સૌરાષ્ટ્રમાં ફિટનેસની જીવનશૈલી અપનાવવા સેંકડો લોકોને પ્રેરણા મળી છે. છેલ્લાં બે દાયકાથી ટાટા કેમિકલ્સ આ ઇવેન્ટનું આયોજન કરે છે અને આજે તમે જે મેરેથોનનાં સાક્ષી બન્યાં છો એ સહભાગીઓ અને આયોજકોની ટીમની મહેનતનું પરિણામ છે. હું આ યાદગાર ઇવેન્ટ માટે આગળ આવનાર દરેકનો આભાર માનું છું અને એમને શુભેચ્છા આપું છું.