નિક-પ્રિયંકાના લગ્નને ન્યૂયોર્કના એક મેગેઝિને ‘કૌભાંડ’ ગણાવ્યું!December 06, 2018

 નિક જોનાસ મરજી વિરુદ્ધ છેતરપિંડીવાળા લગ્ન સંબંધમાં ફસાઈ ગયા:
‘ધી કટ’નો આરોપ
નવી દિલ્હી તા,6
બોલિવૂડથી માંડીને હોલીવૂડ સુધી પોતાની કાબેલિયતના બ્યૂગલ ફૂંકનારી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. લગ્નની આ વિધીના ફોટા પણ યુગલે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે, 2 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયેલી આ જોડીના સંબંધો ઉપર ન્યૂયોર્કની એક મેગેઝિને કંઈક એવું લખી નાખ્યું છે કે, તેના કારણે ભારતીય બોલિવૂડ કલાકારો ગુસ્સે ભરાયા છે.
‘ધ કલ્ટ’ નામના એક ઈન્ટરનેશનલ મેગેઝિને બુધવારે પ્રિયંકા અને નિક જોનસ પર એક આર્ટિકલ પ્રકાશિત કર્યો છે. જેનું ટાઈટલ છે, ‘શું પ્રિયંકા ચોપડા અને જિન જોનસનો પ્રેમ સાચો છે?’ આ આર્ટિકલમાં પ્રિયંકા ચોપડા સાથે નિક જોનસના લગ્નને એક ‘છેતરપિંડી’ જણાવી છે અને તેને નિક સાથે પરાણે કરાયેલા લગ્ન જણાવાયા છે.
આ આર્ટિકલ મારિયા સ્મિથ નામની એક લેખિકાએ લખ્યો છે. તેમણે સમગ્ર આર્ટિકલમાં એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, કેવી રીતે પ્રિયંકા અને નિકનો સંબંધ, પ્રિયંકા અને તેની ટીમ દ્વારા પ્લાન કરાયો છે. આ આર્ટિકલમાં મારિયાએ લખ્યું છે કે, ’નિકોલસ જોનસ પોતાની મરજીની વિરુદ્ધ આ છેતરપીંડીવાળા સંબંધમાં ગયા શનિવારે બંધાઈ ગયો છે અને હું આપને જણાવું છું કે આ અંગે હું શું વિચારું છું.’ ત્યારબાદ સંપૂર્ણ આર્ટિકલમાં મારિયાએ એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, કેવી રીતે 24 વર્ષના કુવારા નિક માટે આ ઉંમરમાં લગ્ન કરવા જરૂરી ન હતા, જ્યારે 34 વર્ષની પ્રિયંકા માટે આ સંપૂર્ણ પણે યોગ્ય સમય હતો. (પ્રિયંકા અને નિકની આ ઉંમર 2016 પ્રમાણેની છે)