જસદણ માટેનું કોંગ્રેસનું ફેસબુક એકાઉન્ટ હેક; ભાજપ પર આક્ષેપDecember 06, 2018

 બે પેજ હેક કરીને એકાઉન્ટ ડિલીટ કરાતા એફઆઇઆરની તજવીજ
 ભાજપે હેક કરાવ્યાનો કોંગ્રેસનો આક્ષેપાત્મક મેસેજ થયો વાઇરલ
રાજકોટ તા.6
કોંગ્રેસ-ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમી બની રહેલી જસદણ પેટા ચૂંટણીની લડાઇ હવે સોશ્યલ મીડિયામાં પણ વિસ્તરી છે. જસદણ માટે કોંગ્રેસે બનાવેલું ફેસબુક પેજ હેક થયું છે, જે બદલ કોંગ્રેસે ભાજપ ઉપર આક્ષેપ કર્યો છે. અને એ આક્ષેપવાળો મેસેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જસદણ પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને ભાજપના કુંવરજીભાઇ બાવળીયા સામે કોંગ્રેસના અવસરભાઇ નાકીયાની સ્પર્ધા જ મુખ્ય રહી છે. બન્ને પક્ષે હવે ચૂંટણી પ્રચાર આરંભી દીધો છે, જે દિવસે દિવસે બળૂકો બનતો જવાનો છે એવામાં પ્રારંભે જ આજે આ ઘડાકો થયો છે.
કોંગ્રેસે જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે જે ફેસબુક પેજ બનાવ્યા હતા તે ગત સવારથી હેક થઇ ગયા છે. આવા બે પેજ હેક થયા છે. તેમજ હેકર દ્વારા પેજ ડીલીટ કરવામાં આવ્યું છે. આ કરતૂત ભાજપનું હોવાનું માનતા કોંગ્રેસે પોતાનું ફેસબુક એકાઉન્ટ ભાજપે હેક કર્યાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપ કરતો મેસેજ હવે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે અને એ રીતે ભાજપની હરકતને વખોડવામાં આવી રહી છે.
આ સંદર્ભે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હીતેશભાઇ વોરાને પૂછતાં તેમણે ફેસબુક એકાઉન્ટ હેક થયાની વાતને અનુમોદન આપ્યું હતું. કોંગ્રેસના સૂત્રો આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવાનો નિર્દેશ આપી રહ્યા છે. અને સાઇબર ક્રાઇક સેલ મારફત તપાસની માંગ ઉઠાવાય તેવી પણ સંભાવના છે.દરમિયાન ફેસબૂક યુઝરને 72. જસદણ વિધાનસભા ગૃપમાંથી રીમૂવ કરાયાના ફેસબુક સિક્યુરીટી ટીમના નામના મેસેજ મળી રહ્યા છે, જેમાં તેમને તા.5ના સવારથી રીમૂવ કરાયાની ‘જાણકારી’ આપીને જો તેમાં ચાલુ રહેવું હોય તેમ પેજ એડમીનને કહેવા જણાવાયું છે!