જાન્યુઆરી બાદ પીવાનાં પાણીની ઘેરી કટોકટીનાં ડોકિયાં

  • જાન્યુઆરી બાદ પીવાનાં પાણીની ઘેરી કટોકટીનાં ડોકિયાં

 ચોપડે બતાવેલા આંકડાઓ ખોટા સાબિત થયા, આજીમાં ફકત 350 એમસીએફટી પાણી
 આજીમાં જાન્યુઆરી, ન્યારીમાં માર્ચ સુધીનું પાણી, નર્મદા નીર નહીં મળે તો પાણીકાપ ફરજિયાત
રાજકોટ તા.6
રાજકોટ શહેરને દરરોજ ર0 મિનિટ પીવાનું પાણી વિતરણ કરતા મનપાને દરરોજની ર90 એમએલડી પાણીની જરૂરીયાત રહે છે. હાલ આજી તથા ન્યારી તેમજ ભાદર અને નર્મદા નીર પાઇપલાઇન દ્વારા લેવામાં આવી રહ્યા છે. હાલ પાણી વિતરણ વ્યવસ્થિતપણે ચાલુ છે પરંતુ અધિકારીઓની આળશવૃતિના કારણે છેલ્લા એક માસથી ચોપડે બતાવવામાં આવતા પાણીના આંકડાઓ ખોટા સાબિત થયા છે અને સાચી હકીકત મુજબ આજી ડેમમાં ફક્ત 350 એમસીએફટી અને ન્યારી ડેમમાં 375 એમસીએફટી પાણીનો જથ્થો રહેતા જાન્યુઆરી બાદ શહેરમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ ઉભી થઇ છે.
મહાનગરપાલીકા દ્વારા હાલ આજી ડેમમાંથી 140 એમએલડી તેમજ ન્યારીમાંથી 40 એમએલડી અને ભાદર ડેમમાંથી 45 એમએલડી તેમજ બેડી સમ્પ ખાતેથી 65 એમએલડી નર્મદા નીર ઉપાડવામાં આવી રહ્યું છે અને શહેરની 290 એમએલડી પાણીની જરૂરીયાત પુરી કરવામાં આવે છે. આજી ડેમ ડુકી જતા સૌની યોજના અંતર્ગત રાજ્ય સરકાર પાસે 73પ એમસીએફટી નર્મદા નીર માગવામાં આવેલ ત્યારે છેલ્લા પાંચ દિવસથી નર્મદા નીર બંધ થઇ જતા ડેમમાં ફક્ત પ30 એમસીએફટી નર્મદા નીર અત્યાર સુધીમાં આવ્યા છે અને હાલ ડેમની સપાટી 18.પ ફુટે હોવાથી 350 એમસીએફટી પાણી સંગ્રહીત છે જે પૈકી ડેડવોટર બાદ કરતા જાન્યુઆરી માસ સુધી ચાલે તેટલું પાણી હોવાથી ફેબ્રુઆરીથી સૌની યોજના અંતર્ગત નર્મદા નીર નહીં મળે તો પાણીની સમસ્યા સર્જાય શકે તેમ વોટરવર્કસ વિભાગે જણાવ્યું હતું.
મહાપાલીકાએ ગત માસે જણાવેલ કે આજીમાં ફેબ્રુઆરી અને ન્યારીમાં એપ્રિલ સુધીનું પાણી સંગ્રહીત થયેલું છે. જ્યારે સૌની યોજના અંતર્ગત આજી ડેમ છલોછલ ભરવાનો હોવાથી વધારાનું પાણી ન્યારી ડેમમાં ઠલવવામાં આવશે પરંતુ એકસપ્રેસ ફીડર લાઇનનું કામ આજ સુધી પૂર્ણ ન થતા આ યોજના પર હાલ પાણી ફરી વળ્યું છે.
મનપાના જણાવ્યા મુજબ જાન્યુઆરી માસથી આજી ડેમમાં નર્મદા નીર ઠલવવાનું શરૂ કરવામાં આવશે પરંતુ રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના અન્ય સેન્ટરોમાં પાણી વિતરણ કરવા માટે આજી ડેમ ખાતે આવતા પાણીમાં કાપ મુકી આજ સુધીમાં ફક્ત પ30 એમસીએફટી પાણી આપ્યું છે ત્યારે આગામી મંગળવારે મનપા દ્વારા ફરી એક વખત સૌની યોજના અંતર્ગત પાણી માગવા માટેની તૈયારી આરંભાઇ છે. હાલની પરીસ્થિતિએ આજી અને ન્યારી ડેમની સપાટીની ગણતરીએ જાન્યુઆરીના અંત સુધી ચાલે
તેટલું પાણી હોવાનું વોટર વર્કસ વિભાગે જણાવ્યું છે.
જાન્યુઆરી માસ બાદ રાજકોટમાં પીવાના પાણીની કટોકટી ઉભી થવાની સંભાવના વોટર વર્કસ વિભાગે વ્યક્ત કરી છે ત્યારે રાજકોટ માટે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન ભાદર ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલું પાણી હોવાનું જણાવ્યું છે પરંતુ ભાદર ડેમમાંથી દરરોજનું 4પ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે અને બેડી ખાતેથી 6પ એમએલડી પાણી સહિત 110 એમએલડી પાણી ચોમાસા સુધી મળી રહેવાનું છે.
જ્યારે બાકીનું 180 એમએલડી પાણીની જરૂરીયાત માટે આજી ડેમમાં ફરજીયાત સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠલવવા પડશે તેમજ આજીમાંથી ન્યારી ડેમમાં પાણી ઠલવવા માટે યુદ્ધના ધોરણે એકસપ્રેસ ફીડર લાઇનનું કામકાજ પુરુ કરવું પડશે અને તો જ ચોમાસા સુધી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સરળ બનશે.