ફ્રાન્સને’ય નડી મોંઘવારી; દેખાવોને પગલે શ્રીમંતો પર તોળાતો વેરો

  • ફ્રાન્સને’ય નડી મોંઘવારી; દેખાવોને  પગલે શ્રીમંતો પર તોળાતો વેરો

 લઘુત્તમ વેતનમાં વધારાની અને ફ્યૂઅલ ટેક્સનો વધારો પાછો ખેંચવાની માંગ બળવતર
પેરિસ તા.6
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પોતાના સત્તાકાળમાં શ્રીમંતો માટે કરવેરો નાબૂદ કર્યો હતો તે ફરી લાગુ કરવા ફ્રાન્સ સરકાર વિચારણા કરી રહી છે. ‘યલો વેસ્ટ’ દેખાવકારોએ પોતાની માગણીના ટેકામાં અઠવાડિયાઓ સુધી ફ્યુઅલ ડેપો અને રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, એમ સરકારી પ્રવક્તા બેન્જામિન ગ્રિવીઓક્સે જણાવ્યું હતું.
મેક્રોને બિઝનેસ તરફી પ્રચાર ઝુંબેશ દરમિયાન મુખ્ય મુદ્દા તરીકે ઉચ્ચ આવક ધરાવતા શ્રીમંતો માટેનો આઈએસએફ વેલ્થ ટેક્સ નાબૂદ કરવાનું જણાવ્યું એને ફ્રાન્સમાં રોકાણને પ્રોત્સાહન આપવાના પગલાં તરીકે લેખવામાં આવ્યું હતું. ગ્રિવીઓક્સે આરટીએલ રેડિયો પર સંદેશમાં જણાવ્યું હતું કે, જો કોઈ પગલું કાર્યરત નહીં નીવડે તો અમે કંઈ બહેરા નથી અમે તેમાં બદલાવ લાવી શકીએ છીએ.
જોકે ટીકાકારોએ તેમના પર શ્રીમંતોની તરફેણ કરવાનો જ્યારે તેમની સરકાર પર પેન્શનર્સ અને બીજાઓ માટેના કરવેરા વધારી દેવાનો આક્ષેપ કર્યો હતો.
‘યલો વેસ્ટ’ ઝુંબેશ ચલાવી રહેલા લોકો ફ્યુઅલ પરના વધારાને મુદ્દે રોષે ભરાયા હતા જીવન નિર્વાહ ખર્ચ વધી જતાં તેમણે વ્યાપક વિરોધ કર્યો હતો અને ગ્રામીણ
અને નાનાં શહેરોના લોકોએ
પ્રમુખ મેક્રોનની અવગણના કે ઉપેક્ષા કરી હતી.
દેખાવકારોની મુખ્ય માગણીમાં વેલ્થ ટેક્સ પૂર્વવત લાગુ કરવાની, લઘુતમ વેતનમાં વધારો કરવાની, ફ્યુઅલ ટેકસ વધારો પાછો ખેંચી લેવાના મુદ્દાનો સમાવેશ થતો હતો.