બાબરી ધ્વંશદિન: અયોધ્યામાં મુશ્કેટાટ બંદોબસ્તDecember 06, 2018

અયોધ્યા તા,6
બાબરી ધ્વંસની 26મી વરસીએ કોઇ અનિચ્છનિય ઘટના ન બને અને ભગવા જૂથો રામમંદિરનો સંવેદનશીલ મુદ્દો ન ઊપાડી લે તે માટે અયોધ્યામાં તમામ રસ્તાઓ અને ગલીઓમાં હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનોને ગોઠવી દેવામાં આવ્યા હોવા ઉપરાંત આરામગૃહો અને પસાર થતા તમામ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બાબરીધ્વંસની વરસીના દિવસની અનુક્રમે ‘શૌર્ય દિવસ’ અને ‘વિજય દિવસ’ તરીકે ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે અને તેમણે લોકોને દિવાળીની જેમ જ ઘરે ઘરે દીવડાં પ્રગટાવવા જણાવ્યું છે. બીજી તરફ મુસ્લિમ જૂથો બાબરીધ્વંસના દિવસને ‘યમ-એ-ગમ’ (દુ:ખના દિવસ)
અને ‘યમ-એ-શ્યાહ’ (કાળા દિવસ) તરીકે મનાવશે.
જોકે બંને કોમના જૂથો દ્વારા આ પ્રકારની જાહેરાત કરવી પરંપરા બની ગઈ છે, પરંતુ પચીસ નવેમ્બરે વિહિપ દ્વારા રામમંદિરના મુદ્દે યોજવામાં આવેલી ધર્મસભાએ સત્તાધારીઓને શહેરમાં સુરક્ષાવ્યવસ્થા વધુ સઘન બનાવવા પ્રેર્યા છે. અયોધ્યામાં બહુસ્તરીય સુરક્ષાના ભાગરૂપ વિવાદાસ્પદ સ્થળ સહિત સંવેદનશીલ સ્થળોએ 2500 જેટલા પોલીસ અધિકારીઓ ઉપરાંત રેપિડ ઍક્સન ફોર્સના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ કહ્યું હતું.
વિશ્ર્વ હિન્દુ પરિષદ 18 ડિસેમ્બરે ગીતા જયંતિ અવસર પણ ઉજવશે. વિશ્ર્વ હિન્દુ પરિષદના સંવાદાતા શરદ શર્માએ જણાવ્યું હતું કે રામમંદિર નિર્માણની ઈચ્વાપૂર્તિ માટે હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. માર્યા ગયેલા નિર્દોષ કારસેવકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. તેમણે કારસેવકોની તુલના સીતામાતાને બચાવવા શહીદ થનારા જટાયુ પક્ષી સાથે કરી હતી.