અગસ્તાનો દલાલ કરી શકે કોંગ્રેસને હલાલDecember 06, 2018

ભાજપ માટે હમણાં બહુ સારો માહોલ નથી ને ભાજપ પોતાની ધાક પાછી જમાવવા ફાંફાં મારી રહ્યો છે ત્યાં તેના માટે મંગળવારે રાત્રે એક બહુ સારા સમાચાર આવી ગયા. કોંગ્રેસના શાસન વખતે કૌભાંડોની હારમાળા સર્જાયેલી ને બહુ ગાજેલાં કૌભાંડોમાં એક અગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડ હતું. ભારતમાં વીવીઆઈપીઓને હરવાફરવા માટે અગસ્ટાવેસ્ટલેન્ડ કંપની પાસેથી હેલિકોપ્ટર્સ ખરીદવા માટે રૂપિયા 3600 કરોડનો કોન્ટ્રાક્ટ કરેલો. આ પ્રકારનાં હેલિકોપ્ટર્સ ભારતને ભટકાડી દેવા બહુ સ્પર્ધા હતી ને તેમાં અગસ્ટાવેસ્ટલેન્ડ ફાવી ગયેલી કેમ કે કંપનીએ છૂટે હાથે નાણાં વેરેલાં. કંપનીએ મિશેલ ક્રિશ્ર્ચિયન નામના દલાલને સાધેલો ને તેણે કોંગ્રેસની સરકારમાં બેઠેલા તોપચીઓને અને લશ્કરી અધિકારીઓને પણ ભરપેટ નૈવેદ ધરાવ્યું તેમાં આ કંપનીને કોન્ટ્રાક્ટ મળેલો.
આ મામલે છેલ્લાં ચાર વરસથી ધમાસાણ ચાલે છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, તેમના રાજકીય સલાહકાર અહમદ પટેલ ને બીજા કોંગ્રેસીઓએ કટકી ખાધી હોવાના આક્ષેપો ભાજપ કર્યા કરે છે પણ વાત આક્ષેપોથી આગળ વધતી નહોતી. દરમિયાનમાં અગસ્ટાનો દલાલ મિશેલ દુબઈમાં પકડાઈ ગયેલો ને તેને કાંઠલો ઝાલીને અહીં લઈ આવવા ભારતે કાનૂની કવાયત શરૂ કરેલી. આ કવાયત ફળી છે ને મંગળવારે રાત્રે મિશેલને ભારત પાર્સલ કરી દેવાયો. બુધવારે સવારના પહોરમાં તો આ પાર્સલ અહીં આવી પણ ગયું ને સીબીઆઈએ તેની પૂછપરછ પણ શરૂ કરી દીધી. નરેન્દ્ર મોદીએ રાજસ્થાન ને તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે આ મુદ્દો પણ ઉઠાવી દીધો.
મિશેલને ભારત લવાયો એ ભાજપ માટે બહુ મોટા સમાચાર છે. સીબીઆઈ મિશેલ પાસેથી સત્ય ઓકાવી શકે તો એ ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં તારણહાર પણ બની જાય. તેનું કારણ એ કે આ કૌભાંડનો રેલો કોંગ્રેસ પ્રમુખ સોનિયાના પગ તળે પહોંચી જ ગયેલો છે. કોંગ્રેસના બીજા નેતાઓ પણ તેમાં લપટાયેલા છે એ જોતાં કોંગ્રેસ માટે આ કૌભાંડ એવો જીવતો બોમ્બ છે કે જેના પર આખી કોંગ્રેસ બેઠેલી છે. મિશેલ હાથ લાગ્યો એટલે ભાજપને હાથ એ બોમ્બ ફોડવાનું રિમોટ કંટ્રોલ જ આવી ગયું છે. ભાજપે હવે એ રિમોટને એક્ટિવ કરવાનો કોડ જ શોધવાનો છે ને એ કોડ મિશેલ પાસે છે. સીબીઆઈ મિશેલ પાસેથી એ કોડ ઓકાવી શકે તો ભાજપ કોંગ્રેસના ભુક્કા બોલાવી દઈ શકે. ભાજપને માટે કોંગ્રેસના ભુક્કા બોલાવી દેવાનો અડધોપડધો તખ્તો આમ તો ઈટલીની એક કોર્ટના ચુકાદાના કારણે અઢી વર્ષ પહેલાં જ ઘડાઈ ગયેલો. ઈટલીની કોર્ટે એપ્રિલ 2016માં આપેલા ચુકાદામાં અગસ્ટાવેસ્ટલેન્ડ કંપનીના કર્તાહર્તા ગુલેપ ઓરસીને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવેલો. આ કેસમાં કોર્ટે અગસ્ટાવેસ્ટલેન્ડની કલંકકથા કઈ રીતે લખાઈ તેનું અથથીઈતિ સમજાવેલું. ભાજપ માટે આ મુદ્દો કેમ મોટો ને ફાયદાકારક છે તે જાણવા ઈટલીની કોર્ટે જે ઘટનાક્રમ વર્ણવેલો તે જાણવો જરૂરી છે.
અગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડ કેન્દ્રની મનમોહન સિંહ સરકારની સંખ્યાબંધ કલંકકથાઓમાંથી એક છે. કોંગ્રેસના શાસનમાં અબજોનાં મસમોટાં કૌભાંડો થયાં એ બધાં કૌભાંડોની સરખામણીમાં અગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ સાવ નાનું ને ચણા મમરા જેવું ગણાય. ભારત સરકારે ફેબ્રુઆરી 2010માં અગસ્ટાવેસ્ટલેન્ડ સાથે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને બીજા વીવીઆઈપીઓને લઈ જવા માટેનાં 12 હેલિકોપ્ટર ખરીદવાનો 3600 કરોડ રૂપિયાનો કરાર કરેલો. અગસ્ટા બ્રિટનની કંપની છે પણ તેનાં મૂળિયાં ઈટલીમાં છે. ઈટલીની ફિનમેકાનિકા નામની કંપની અગસ્ટાવેસ્ટલેન્ડની માલિકી ધરાવે છે. આ હેલિકોપ્ટર ઈન્ડિયન એરફોર્સને મળવાનાં હતાં કેમ કે ભારતમાં વીવીઆઈપીઓની સલામતીની જવાબદારી એરફોર્સના માથે છે. એરફોર્સ જે હેલિકોપ્ટર ખરીદવા માગતું હતું તે હેલિકોપ્ટર પૂરાં પાડવાની અગસ્ટાની લાયકાત નહોતી. અગસ્ટા ઈન્ડિયન એરફોર્સને જે એડબલ્યુ 101 હેલિકોપ્ટર આપવાનું હતું. આ હેલિકોપ્ટર સાવ રદ્દી હતાં તેના કારણે આ હેલિકોપ્ટર ખરીદવા એરફોર્સ તૈયાર નહોતું. કંપનીને ખબર હશે કે ભારતમાં સત્તા પર બેઠેલા લોકોના હાથની ખૂજલી દૂર કરો એટલે બધું થઈ જાય તેથી કંપનીએ લાંચની લહાણી કરીને એવું ચક્કર ચલાવ્યું કે અચાનક બધું ગોઠવાઈ ગયું. એરફોર્સે નક્કી કરેલાં ધારાધોરણો બદલી નખાયાં ને રાતોરાત નિયમોમાં ફેરફાર કરી દેવાયો. બધી ગોઠવણ થઈ ગઈ ને રાતોરાત કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો. કોંગ્રેસ સરકારે અગસ્ટાવેસ્ટલેન્ડના લાભાર્થે આખો ખેલ ગોઠવી દીધો ને સોદો પાર પણ પડી ગયો. હવે મિશેલ હાથ લાગ્યો છે ત્યારે આ વાત આગળ વધી શકે ને ખરેખર બીજા કોણે કોણે કટકી ખાઈને દેશ સાથે ગદ્દારી કરી તેનો ભાંડો ફોડી શકાય તેમ છે.
અત્યાર લગી આ મામલે આક્ષેપો બહુ થયા છે ને ઠોકાઠોક કરીને નામો ઉછાળાયાં છે. હવે સીબીઆઈ પાસે મિશેલ છે ને સીબીઆઈ તેની ધારે એટલી પૂછપરછ કરી શકે છે ત્યારે આ બધી ઠોકાઠોકના બદલે દેશ સાથે ગદ્દારી કરનારા લોકોને ખુલ્લા કરવાની ભાજપ સરકાર પાસે તક છે. મિશેલ પાસે સત્ય ઓકાવીને પુરાવા સાથે સત્ય લોકો સામે મુકાવું જોઈએ. ભાજપ સરકાર માટે તેના બધાં પાપ ધોવાની આ મોટી તક બગાસું ખાતાં પતાસું મળે એ રીતે આવી ગઈ છે. આ તક ભાજપ માટે રાજકીય રીતે તો ફાયદો કરાવનારી છે જ પણ દેશનું હિત સાચવનારી પણ છે. ભાજપ આ તક વેડફી દેશે તો સાબિત થશે કે ભાજપમાં કોઈ વેતો નથી ને તેના નેતાઓ ખાલી થૂંક ઉડાડવામાં જ માહિર છે.