જસદણ પંથકમાં ઇન્દ્રનીલના ડાયરા, બેદાગ-નિષ્કલંક નેતાને ચૂંટવા અપીલDecember 06, 2018

રાજકોટ તા.6
જસદણ પંથકમાં ગૌશાળાના લાભાર્થે યોજાઇ રહેલા લોકડાયરાની ગામડે ગામડે ભારે જમાવટ થઇ રહી છે. લોકસાહિત્ય કલાકારો મન મુકીને વરસતા ગ્રામજનો પણ આફ્રીન પોકારી રહ્યા છે અને સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ આકરા શબ્દોમાં સત્ય હકીકત સાથે ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે રાફેલ વિમાન હોય કે પછી શિક્ષણ હોય અથવા તો વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર લીક કરવાનું કૌભાંડ ભાજપની ગળથૂંથીમાં છે. આ તરકટીયા બની બેઠેલા આગેવાનોએ મતદારોએ હવે ઓળખી લેવાની જરૂરી છે.
ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા લોકશાહી લોકજાગરણ અંતર્ગત જસદણ પંથકમાં ગામડે ગામડે ફરી રહ્યા છે. લોકશાહી બચાવવા અને ગાંધીજીના સિદ્ધાંતને વિચારને વધુ મજબુત બનાવવા પ્રયાસ અને પ્રચાર થઇ રહ્યા છે. પેટા ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર, પ્રમાણિક માણસ, નિષ્ઠાવાન વ્યક્તિ અને બેદાગ ઉમેદવારને મત આપવા અપીલ કરવામાં આવી રહી છે. શિક્ષણનો વેપાર કરતા સરકારી નોકરીમાં સગાવહાલાને પાછલા બારણેથી ઘુસાડતા અને કાયમ માટે વર્ષોથી પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરતા ઉમેદવારને જાકારો આપવા હાંકલ કરવામાં આવી રહી છે. પક્ષાપક્ષીથી દુર રહી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા લોકોને વિનંતી કરવામાં આવી છે.
દરમિયાન ગુરૂવારે રાત્રે 8 કલાકે સીતારામ ચોક ભાડલા-ચોટીલા હાઇવે, મવડી પ્લોટ વિસ્તાર ખાતે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર રમેશભાઇ પટેલ, મિતલબેન પટેલ અને અનિલભાઇ પટેલ લોકસાહિત્યનો રસથાળ પીરસશે. આ લોકડાયરાનો લાભ લેવા ગ્રામજનોને આમંત્રીત કરાયા છે. લોકડાયરામાં મળેલી પુરસ્કારની તમામ રકમ ગૌશાળાને
અર્પણ કરાશે.