ગ્રામીણ ડાક સેવકોની 18મીથી બેમુદતી હડતાળDecember 06, 2018

 પડતર પ્રશ્ર્નોનો નિકાલ ન થતા હડતાળનું અપાયું એલાન
રાજકોટ તા.6
પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવકોના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતાં તા.18મી ડિસેમ્બરથી ગ્રામીણ ડાક સેવકો અચોક્કસ મુદતની હડતાળ પર જનાર છે.
આ અંગેની વિગતો આપતાં નેશનલ યુનિયન ઓફ ગ્રામીણ ડાક સેવકના સેક્રેટરી એ.જી. પરમારે જણાવ્યું હતું કે, ગ્રામીણ ડાક સેવકોને કાયમી કર્મચારી તરીકેની નિમણૂક આપો. અગાઉ ચાર કલાકની ફરજ ગણીને તેમને કાયમી કર્મચારી ગણવામાં આવતા નહતા, પરંતુ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કની જ્યારથી યોજના લાવવામાં આવી છે ત્યારથી ગ્રામીણ ડાક સેવકને રોજની 9 કલાક જેટલી નોકરી થઇ જાય છે. આથી ગ્રામીણ ડાક સેવકને કાયમી કર્મચારી ગણી તે પ્રમાણે વેતન ચૂકવો. બીજી તરફ ગ્રામીણ ડાક સેવક 65 વર્ષે નિવૃત્ત થાય છે ત્યારે રૃ. 60,000 ગ્રેજ્યુઇટી ચૂકવવામાં આવે છે, જે રૂા. 5,00,000 ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ ઉપરાંત ગ્રામીણ ડાક સેવકોને મેડિકલ આપવામાં આવતું નથી, જેથી ગ્રામીણ ડાક સેવકના પરિવારના પાંચ સભ્યોને મેડિકલની સુવિધા હેઠળ આવરી લેવાય તેવી માગ કરાઈ છે. આ સહિતના 10 પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત છતાં ડાક વિભાગ દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.