પારો એક થી પાંચ ડિગ્રી ગગડ્યોDecember 06, 2018

 નલિયામાં તાપમાન 11 ડિગ્રીએ પહોંચ્યું, પોરબંદરમાં પાંચ ડિગ્રીનાં ઘટાડા સાથે તાપમાન 14 ડિગ્રી
રાજકોટ તા. 6
આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ અસલી મિજાજ દેખાડવો શરૂ કર્યો છે. તાપમાનમાં એકથી પાંચ ડીગ્રીનો ઘટાડો અને ઉતર પૂર્વે ઠંડા પવનના સૂસવાટાના કારણે ઠંડીની અસર વધી જવા પામી છે. વહેલી સવારે ટાઢાબોળ વાતાવરણમાં લોકોને ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર થવુ પડયુ હતું. આજે ફરી એક વાર સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યુ હતું જયાં પારો 1 ડીગ્રી ગગડતા મિનિમમ તાપમાન 11 ડીગ્રી થઈ ગયુ હતું.
આકાશમાંથી વાદળાનું પ્રમાણ ઘટી ગયુ છે અને પવનની ગતિ પણ વધવા પામી છે. આ કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છનાં તાપમાનમાં 1 થી 5 ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. પોરબંદરમાં પારો પાંચ ડીગ્રી નીચે પહોંચતા તાપમાન 14 ડીગ્રી થઈ ગયુ હતું. પોરબંદરવાસીઓએ પ્રથમ વખત કડકડતી ઠંડી અનુભવી હતી. રાજકોટમાં કાલે 16.5 ડીગ્રી તાપમાને નોંધાયું હતુ આજે 1 ડીગ્રીના ઘટાડા સાથે 15.2 ડીગ્રી લઘુતમ તાપમાન થઈ ગયુ હતું. સાથે જ 6 કીમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનનાં કારણે બપોરનાં સમયે પણ વાતાવરણ ઠંડુ રહ્યુ હતું. સૌરાષ્ટ્ર-કચ્છનાં અન્ય સેન્ટરો પર નજર કરીએ તો આજે ભાવનગરમાં 17.4, પોરબંદરમાં 23.5, ભુજ 17.0,
નલીયા 11, સુરેન્દ્રનગર 16.7, ન્યુ કંડલા 15.2, કંડલા એરપોર્ટ 12.2, અમરેલી 15, મહુવા 15.2, દીવ 16.4 ડીગ્રી મીનિમમ તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગનાં સુત્રોએ આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં ઉતરોતર ઘટાડો નોંધાવાની શકયતા વ્યકત કરી છે.