ચોપર-કાંડ: ‘દલાલ’ના વકીલ કોંગ્રેસમાંથી આઉટDecember 06, 2018

નવી દિલ્હી તા.6
વિવાદાસ્પદ અગસ્ટાવેસ્ટલેન્ડ ચોપર કૌભાંડ કેસના આરોપી ક્રિશ્ર્ચિયન મિશેલ પાંચ દિવસ રિમાન્ડ પર છે ત્યારે તેમના વકીલ અલીજો કે. જોસેફની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત યુવા કોંગ્રેસના કાનૂની વિભાગ રાષ્ટ્રીય ઇનચાર્જપદેથી હટાવી લેવામાં આવ્યા છે.
આ અંગે યુવા કોંગ્રેસના પ્રવક્તા અમરીશ રંજન પાંડેએ કહ્યું હતું કે જોસેફ અંગતરૂપે હાજર રહ્યા હતા. યુવા કોંગ્રેસ આવા કોઈ જ પગલાં પર મંજૂરીનું મત્તું મારતું નથી. યુવા કોંગ્રેસે તેમની પક્ષના કાનૂની ખાતામાંથી તાબડતોબ હકાલપટ્ટી કરી નાખી છે. આ અગાઉ જોસેફે મિશેલનો કેસ લેવા બદલ પોતે જ પોતાનો બચાવ કર્યો હતો. કોંગ્રેસ સાથેના મારા સંબંધને તેમના વ્યવસાય સાથે કોઇ જ નાતો નથી.
અગસ્ટાવેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટરોના રૂપિયા 3,600 કરોડના સોદાના કહેવાતા વચેટિયા અને યુ.કે.ના નાગરિક ક્રિશ્ર્ચિયન મિશેલને દિલ્હીની એક અદાલતે પૂછપરછ માટે પાંચ દિવસ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની કસ્ટડીમાં રાખવાનો બુધવારે આદેશ આપ્યો હતો. ક્રિશ્ર્ચિયન મિશેલના વકીલે પોતાના અસીલને અદાલતી કસ્ટડીમાં રાખવા વિનંતિ કરી
હતી, પરંતુ સીબીઆઇએ તેની પૂછપરછ માટે 14 દિવસનો સમય માગ્યો હતો.
અદાલતે સીબીઆઇને ક્રિશ્ર્ચિયન મિશેલ સામેના તહોમતનામાના સંબંધમાં બધા સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાનો હુકમ કર્યો હતો. ક્રિશ્ર્ચિયન મિશેલે જામીન માટેની અરજી પણ
કરી હતી. આમ છતાં, અદાલતે જામીન માટેની અરજીની સુનાવણી માટે કોઇ ચોક્કસ તારીખ
નહોતી આપી.