વડોદરા: BJPના મુસ્લિમ નેતાને મસ્જિદમાં નો-એન્ટ્રીDecember 06, 2018

અયોધ્યાના રામમંદિરની ચળવળમાં ભાગ લીધાની વાતથી પ્રવેશબંધીનું ‘બોર્ડ’ લગાવાયું
 મસ્જિદના ટ્રસ્ટી જો કે કહે છે કે અમને આની ખબર નથી, રાત્રે લાગેલું બોર્ડ હટાવવાનું ટ્રસ્ટીઓને યોગ્ય નથી લાગ્યું!
વડોદરા તા,6
અયોધ્યામાં રામ મંદિર અંગે ચાલતી ચળવળમાં ભાગ લેનાર શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઝહીર કુરેશીને યાકુતપુરાની મસ્જિદમાં પ્રવેશબંધી ફરમાવાઈ છે, તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે. આ સંદર્ભે મસ્જિદના ટ્રસ્ટી ગુલામ હુસેન શેખે જણાવ્યું કે, મસ્જિદ તરફથી આવા બેનર લગાવાયા નથી અને અમને આવી કોઈ જાણકારી નથી.
અયોધ્યામાં રામ મંદિરને લઈને ચળવળ ચાલી રહી છે. તેવામાં સ્વ. ગની કુરેશીના પુત્ર અને શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઝહીર ગનીભાઈ કુરેશીએ ભાગ લીધો હોવાનું કહેવાય છે. જેને લઈને યાકુતપુરાની મસ્જિદના દરવાજે એક બેનર લાગ્યું છે. આ બેનર કોણે માર્યું
છે તેનો કોઈની પાસે જવાબ નથી, પરંતુ તેની ઉપર લખ્યું છે કે, ઝહીર કુરેશીએ મસ્જિદમાં પ્રવેશ કરવો નહીં.
મસ્જિદના મુખ્ય દરવાજે જયારે બોર્ડ લાગેલુ છે ત્યારે ટ્રસ્ટી જણાવે છે કે, આ બેનર અમે લગાવ્યા નથી અને આની અમને કોઈ જાણકારી નથી. સંખ્યાબંધ લોકો મસ્જિદમાં નમાઝ પઢવા માટે આવે છે. તેમણે આ બોર્ડ જોયુ હતુ અને રાત સુધી આ બોર્ડ દરવાજે જ લાગેલુ હતુ તેને ખસેડવામાં પણ આવ્યુ નથી. તેનો અર્થ એવો થાય કે આ બેનર માટે મંજૂરી છે.’ કામ ગુંડા તત્ત્વોનું: ઝહીર કુરેશી
બેનરમાં જેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવા ઝહીર કુરેશીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મસ્જિદના દરવાજે બેનર લગાડવાનું કામ ગુંડા તત્વોનું છે. આ લોકો ઉશ્કેરણી જનક વાતાવરણ ઊભું કરી રહયા છે અને આવું થાય તેમાં તેમને રસ છે. મસ્જિદના ટ્રસ્ટીએ આ બેનર લગાડયા નથી.