CMO પણ J&Kને ભારતનું ગણતું નથી!December 06, 2018

અમદાવાદ તા.6
રાજ્યમાં સ્થપાનારી દેશની સૌ પ્રથમ બાયોટેક્નોલોજિકલ યુનિવર્સિટીને લગતો એક વીડિયો સીએમઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી જારી કરવામાં આવ્યો છે. જેમાં એક સ્થળે વર્લ્ડ મેપમાં ભારતના ભગવા રંગના નકશામાંથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ભાગને બાદ કરી નાખવામાં આવ્યો છે. જેના કારણે નવો વિવાદ સર્જાવાની આશંકા સેવાઈ રહી છે.
રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાત રાજ્યનો 26 જિલ્લાવાળો જૂનો નકશો છપાતો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યાને હજી એક અઠવાડિયું માંડ થયું છે, ત્યાં રાજ્ય સરકારે કાશ્મીરના ચોક્કસ ભાગને ભારતના નકશામાંથી બાકાત કરીને ફરી વખત આવો છબરડો વાળ્યો છે! સીએમઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરવામાં
આવેલા વીડિયોમાં એક સ્થળે વર્લ્ડ મેપમાં ભગવા રંગથી બ્લિન્ક થતો ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે.
જેમાં પાક અને ચીન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ ન હોવાનું દેખાઈ રહ્યું છે. જ્યારે આ વીડિયોની શરૂઆતમાં લીલા રંગથી દર્શાવેલા ભારતનાં વિવિધ રાજ્યોના નકશામાં જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતનો ભાગ તો ગણાવાયું છે, પણ તેને ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચીને દર્શાવવામાં આવ્યું છે. આ રીતે અલગ દર્શાવેલા ભાગ હાલ પાકિસ્તાન અને ચીનના કબજા હેઠળ છે.