મુંબઈની લોકલ ટ્રેનોમાં સુપરફાસ્ટ મોબાઈલ ચોરીDecember 06, 2018

મુંબઈ તા,6
મુંબઈમાં રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનમાં થતી ચોરી પ્રવાસીઓ માટે ચિંતાનું કારણ જ નહીં, પરંતુ રેલવે પ્રશાસન માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. અગાઉ ચોર પ્રવાસીઓના પર્સને ટાર્ગેટ કરતા હતા. જોકે, હવે લોકો એટીએમ કાર્ડ અને ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થઇ ગયા હોવાથી ચોરના હાથમાં કંઇ ખાસ પૈસા આવતા નથી, પરિણામે હવે ચોરોએ મોબાઇલ ચોરવાનું શરૂ કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશન અને લોકલ ગાડીમાંથી દરરોજ અંદાજે 42 મોબાઇલ ફોનની ચોરી થાય છે. સૌથી વધુ મોબાઇલ ચોરી અને મોબાઇલ ગૂમ થવાના બનાવ કુર્લા સ્ટેશન પર બને છે. કુર્લા સ્ટેશન પરથી જાન્યુઆરીથી ઑકટોબર દરમિયાન 3,102 મોબાઇલ ચોરાયા છે. કુર્લા બાદ 2,212 મોબાઇલ ચોરીના કેસ સાથે બાન્દ્રા, 1,569 સાથે દાદર, 1,400 સાથે સીએસએમટી અને 1,260 સાથે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનો સમાવેશ થાય છે.
આઠ મહિનામાં પશ્ર્ચિમ અને મધ્ય રેલવેના સબર્બન સ્ટેશન પર અંદાજે 9,612 મોબાઇલ ચોરીના બનાવ બન્યા છે. જ્યારે 1,030 જેટલા મોબાઇલ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. એટલે કે દર મહિને 1,330 મોબાઇલ ચોરી અથવા ગુમ થવાની ઘટના બનતી હોવાનું સ્પષ્ટ થાય છે. આ પ્રકારે મોબાઇલ ચોરો રેલવે પોલીસ માટે માથાનો દુ:ખાવો બન્યા છે.