સંયમ જીવનમાં નવપ્રકારની અજાયબીથી યુવા પેઢી આકર્ષાય છેDecember 06, 2018


પોતાનું પાંચ, પંદર, પચ્ચીસ માણસનું કુટુંબ છોડેલ હોવા છતાં સમગ્ર વિશ્ર્વને પોતાનું કુટુંબ બનાવી દીધું છે. તેથી સાધુપણામાં કદાપી એકલવાયાપણું લાગતું નથી આજે 21મી સદીમાં ભોગના સાધનો ટેકનોલોજીના માધ્યમથી દિનપ્રતિદિન વધી રહ્યા છે તેવા પંચમ કાળમાં પણ અનેક યુવાન અને યુવતીઓ સંયમના માર્ગે આગળ વધી રહ્યા છે તેનું કારણ એ છે કે અદ્યતન ટેકનોલોજીના સાધનો સગવડ આપે છે. પણ સુરક્ષાની કોઇ ગેરંટી નથી જ્યારે સંયમ જીવનમાં નવ પ્રકારની અજાયબી વણાયેલી છે.
(1) બાહ્ય ભૌતિક સુખ, સાધનોનો ત્યાગ હોવા છતાં આત્મિક સ્વાધીન સુખનો સંયમ જીવનમાં પાર નથી.
(2) સંયમ જીવનમાં બાહ્ય કષ્ટો પાર વિનાના હોવા છતા આંતરિક દુ:ખનું નામ નિશાન નથી ઇર્ષા, મહત્વકાંક્ષા, દ્વેષ અણગમો, ખેદ, ઉદ્વેગ વગેરે આંતરિક દુ:ખનું નામ નિશાન નથી.
(3) ભીક્ષાટન, વિહાર વગેરે બાહ્ય ક્રિયા હોવા છતાં પાપ કર્મોનો કોઇ પ્રકારે વધારો થતો નથી કારણ કે સંયમ
જીવનની કોઇ પણ ક્રિયામાં બીજા જીવને દુ:ખ આપવાનું પ્રયોજન હોતુ નથી.
(4) સંપૂર્ણ સંયમ જીવન ગુરુસમપર્ણ ભાવવાળુ હોવાથી આંતરિક ખુમારીનો પાર નથી પરમગુરુ પરમાત્માના પ્રતિનિધિરૂપે સદગુરુની શીતળ છાંયામાં 24 કલાક રહેવાનું સૌભાગ્ય માત્ર સંયમ જીવનમાં જ મળે છે. આવુ સૌભાગ્ય પ્રગટવાથી સાધુ-સાધ્વીની ખુમારીનો કોઇ પાર નથી.
(5) સાધુ પાસે ગામમાં ઘર નથી,સીમમાં ખેતર નથી, બેંકમાં ખાતુ નથી, કપડામાં ખિસ્સુ નથી પાસે એક રૂપિયો નથી છતા આવતીકાલની કોઇ ચિંતા નથી. સંસારમાં અઢળક સુખ સામગ્રી હોવા છતાં આવતીકાલથી અસલામતીનો ભય સતત માથે ડોકાતો હોય છે.
(6) જગતના તમામ જીવો સાથે સાધુ -સાધ્વીને આત્મિયતા છે. લાગણી છે છતાં કોઇના પ્રત્યે રાગ કે આસક્તિ નથી
કારણ કે મમત્વભાવ અને વિષમ ભાવના વમળમાંથી બહાર નીકળી શીતળ સંભાવનાના સ્વભાવમાં સાધુ-સાધ્વીઓ સ્થિર રહે છે.
(7) સાધુ જીવનમાં વસ્ત્ર, પાત્ર વગેરે સંયમ જીવનમાં સાધનોનો ઉપયોગ છે પણ ઉપભોગ નથી આસક્તિ નથી,
મુર્છા નથી.
(8) સાધુ-સાધ્વીનું પરમેનેન્ટ એડ્રેસ કોઇ હોતું નથી છતાં પરમેનેન્ટ પ્રસન્નતાના તેઓ સ્વામી છે.
(9) પોતાનું પાંચ, પંદર, પચ્ચીસ માણસનું કુટુંબ છોડેલ હોવા છતાં સમગ્ર વિશ્ર્વને પોતાનું કુટુંબ બનાવી દીધું છે. તેથી સાધુપણામાં કદાપી એકલવાયાપણું લાગતું નથી તથા કીડી, મંકોડા વગેરે નાનામાં નાના જીવોની પણ દયા પાળવાનું કામ અને તેની સુરક્ષા કરવાનું કામ પ્રત્યેક જૈન સાધુ-સાધ્વી ભગવંત કરે છે.
આવુ નવ પ્રકારની અજાયબીવાળુ સાધુ જીવન આજના યુવાન-યુવતીના હૃદયને સમજણપૂર્વક સ્પર્શી જાય છે. વિશાળ સંખ્યામાં યુવાન-યુવતીઓ જૈન દીક્ષા અંગિકાર કરવાના માર્ગે આગળ વધી રહ્યા છે.
-પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા