સત્ય પ્રાપ્તિની ઝંખનામાંથી સંયમનું સર્જન થાય છેDecember 06, 2018

જગતના અનંત જીવો જ્યારે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, લાગણી અને કોઇકની લગનીમાં 84લાખ જીવયોનીના ચક્કરમાં ભ્રમણ કરતું જીવન વ્યતિત કરી રહ્યાં હોય છે ત્યારે કોઇક જ જીવ જન્મ મરણના કારણનું સત્ય જાણવા માટે પ્રભુ પંથે નીકળી પડતા હોય છે. પરમાત્મા કહે છે કે સંયમના ભાવ કોઇને એમને એમ પ્રગટ થતા નથી સંયમના પ્રાગટ્ય પહેલા સમક્તિ પ્રગટ થતું હોય છે. અંદરની વિચારધારાનું જ્યારે પરિવર્તન થાફ છે ત્યાર પછી જ આચારધારા બદલાતી હોય છે જીવને સંસારમાં અટકાવનારું કોઇક એક મુખ્ય તત્ત્વ હોય છે તે હોય છે સુખ પ્રાપ્તિની ઝંખના પરંતુ સંયમ સર્જાતો હોય છે સત્યપ્રાપ્તિની ઝંખનામાંથી. સંયમમાર્ગ એ કદી સુખી થવા માટેનો માર્ગ નથી હોતો પરંતુ સત્ય પ્રાપ્તિનો માર્ગ હોય છે.
સંસારી આત્માઓ જ્યાં રમકડા અને વસ્તુમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે કોઇ આત્માને એ રમકડામાંથી પણ વૈરાગ્યભાવ પ્રગટ થતો હોય છે અને એમાં ગુરુવાણીના વરસાદના છાંટણા ભળતા જ સંયમરૂપી બીજ ઉગી નીકળે છે. પરંતુ આ માટે પણ પૂર્વભવથી આત્મામાં પાત્રતા હોવી જરૂરી છે. વરસાદ તો કાંકરા અને બીજ બંને પર પડતો હોય છે, ત્યારે બીજમાંથી જ સંયમની કુંપણ અને સાધકતાના અંકુર ફૂટે છે. કાંકરામાંથી કાંઇ ઉપજતું નથી.
કોઇ બીજ ડાયરેક્ટ ફળમાં પરિવર્તન પામતુ નથી. અનંતકાળથી પરિભ્રમણ કરતા આત્માને એક યાત્રા કર્યા બાદ સંયમના ભાવ પ્રગટ થતા હોય છે. જેના ભાવોને અંત ચોક્કસ સમય મર્યાદામાં થવાનો હોય તેવા ભવી જીવ, પ્રભુ કે ગુરુ મળ્યા બાદ એમના જેવા જ બનાવનું મન થાય તેવા શુકલ પક્ષી જીવ પ્રભુની અને સ્વયંમની માન્યતા, વિચારધારાને એક થવા લાગે તેવા સમ્યકદર્શની જીવ અને જે નજીકના 3,13,કે 15 ભવોમાં જ મોક્ષગામી બનવાના હોય તેવા પરિત સંસારી જીવોને સંયમના ભાવ પ્રગટ થતા હોય છે. જેવું પ્રભુનુ દર્શન એવુ મારું દર્શન આ ભાવ સમ્યક દર્શન કહેવાય છે પરંતુ પ્રભુના દર્શન માત્રથી સમ્યકદર્શનની પ્રાપ્તિ થતી નથી પરંતુ પ્રભુ કે ગુરુના દર્શન બાદ એમના જેવા જ બનવાના ભાવ પ્રગટ થવા લાગે છે. સંસારના જીવો જેને જેલ જેવા લાગતા હોય તેવા આત્માઓ જ સંસારરૂપી જેલથી મુક્ત થવા માટે સંયમ માર્ગ પર આવી શકતા હોય છે.
-રાષ્ટ્રસંત પૂજ્ય શ્રીનમ્ર મુનિ મ.સા