શાંતિ પ્રયાસમાં મોદીને સાથ આપવા પાક.ને USની તાકીદDecember 05, 2018

 આતંકી ઉપદ્રવ ધરાવતા અફઘાનમાં શાંતિ સ્થાપવા સાઉથ એશિયાના દેશોને વોશિંગ્ટનથી સૂચના જારી
વોશિંગ્ટન તા,5
પાકિસ્તાનને મજબૂત સંદેશ આપતા અમેરિકાના સંરક્ષણ પ્રધાન જીમ મેટિસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સાઉથ એશિયાની શાંતિ માટે પ્રયાસ કરી રહેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુનાઈટેડ નેશન્સ તથા સૌ કોઈને સહયોગ કરવાનો સમય આવી પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે તાલિબાન સાથે શાંતિમંત્રણા માટે પાકિસ્તાને પણ વિકલ્પ વિચારીને અફઘાનિસ્તાનમાં શાંતિપ્રયાસ હાથ ધરવા પડશે.
તેમણે યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાનને લખેલા પત્રનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ટ્રમ્પ લેખિત પત્રમાં પણ અમેરિકા સાથે સહયોગાત્મક સંબંધ વિકસાવવા અને જાળવવા પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં શાંતિપ્રયાસ હાથ ધરવાની સ્પષ્ટતા કરાઇ છે.
મેટિસે ઉમેર્યું હતું કે અફઘાનિસ્તાનમાં છેલ્લાં 40 વર્ષથી આતંકી ઉપદ્રવ છે. અફઘાની લોકોની શાંતિ માટે અમેરિકા તમામ પ્રયત્નો કરશે. ઉપરાંત તેમણે શાંતિપ્રયાસ અર્થે મોદી તેમ જ અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાનીના પ્રયત્નોને સહયોગ કરવા એશિયાના દેશોને અનુરોધ કર્યો. મેટિસે શાંતિમંત્રણા અર્થે ભારતના સંરક્ષણમંત્રી નિર્મલા સિતારામનને આવકાર્યા છે.