કચ્છમાંથી કતલ માટે ઘેટાં-બકરાંની નિકાસને પીળો પરવાનોDecember 05, 2018

 કાયદાકીય જંગમાં સરકાર હારી જતાં હાઇકોર્ટે નિકાસને આપી લીલીઝંડી
 એકાદ સપ્તાહમાં તુણાબંદરેથી પાંચ હજાર પશુઓનાં પ્રથમ જથ્થાની થશે નિકાસ
રાજકોટ તા.5
એક તરફ ગૌમાંસના મામલે ઉત્તર પ્રદેશ ભડકે બળી રહ્યું છે. તેવા સમયે જ ગૌહત્યા પ્રતિબંધ, રામ-મંદિર અને હિન્દુત્વના મુદ્દે ચરી ખાઈને ચૂંટણીમાં હિન્દુ મતો અંકે કરનાર ભાજપ સરકાર કચ્છના તુણા બંદરેથી હજારો ઘેટાં-બકરાંની નિકાસ અટકાવવામાં નિષ્ફળ ગઈ છે. કતલ માટે મોકલાતા એકાદ લાખથી વધુ ઘેટાં-બકરાંની ગલ્ફ દેશોમાં થતી નિકાસ રોકવા અંગેની કાયદાકીય લડતમાં રાજ્ય સરકાર હારી ગઈ છે. હાઈકોર્ટે લીલીઝંડી આપી દેતા તુણા બંદરેથી પ્રથમ તબક્કામાં આશરે પાંચ હજારથી વધુ ઘેટાં-બકરાંની નિકાસ માટેની તૈયારી પણ શરૂ થઈ ચૂકી છે.
સામાન્ય રીતે સપ્ટેમ્બરથી 9 માસ સુધી ચાલતી ઘેટાં-બકરાંની નિકાસ સરકારે અટકાવી દેતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કાયદાકીય લડતમાં પોતાનો પક્ષ સક્ષમ રીતે રજૂ કરવામાં સરકાર નિષ્ફળ જતા અથવા તો જાણી જોઈને નરમ વલણ રાખ્યું હોવાના કારણે હાઈકોર્ટનો ચૂકાદો નિકાસકારોની તરફેણમાં આવ્યો છે. ગત તા.30 નવેમ્બરના રોજ હાઈકોર્ટે શરતોનું પાલન કરીને અને યોગ્ય મંજૂરીઓ મેળવીને તુણા બંદરેથી ઘેટાં-બકરાંની નિકાસને લીલી ઝંડી આપી દીધી છે. પરિણામે અહીથી ઘેટાં-બકરાંની નિકાસ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આગામી એકાદ સપ્તાહમાં જ તુણા બંદરેથી આશરે પાંચેક હજાર ઘેટાં-બકરાંને કતલ માટે અરબ દેશોમાં રવાના કરવામાં આવશે.
અત્યાર સુધી રામ-મંદિર, હિન્દુત્વ, ગૌહત્યા પ્રતિબંધ વગેરે ગાણા ગાઈને રાજ્ય તથા કેન્દ્રમાં સત્તામાં આવેલી ભાજપ સરકાર હજારો અબોલ મુંગા પશુઓને મોતના મુખમાં ધકેલાતા બચાવી શકી નથી. અંદરખાને થતી ચર્ચાઓ અનુસાર નિકાસમાંથી થતી આવક ગુમાવવી ન પડે તે માટે સરકાર દ્વારા કોઈ અસરકાર પ્રતિકાર હાઈકોર્ટમાં કરવામાં આવ્યો નહોતો.
ઉપરાંત ઘેટાં-બકરાંની નિકાસ સાથે જોડાયેલા લોકોના મત ગુમાવવા ન પડે તેવી વોટબેન્કની રાજનીતિ પણ સરકારના મનમાં હશે. પશુઓને બચાવવાની ઝૂંબેશ ચલાવનારા પક્ષે આક્ષેપ કર્યો છે કે સરકાર પશુધનની કતલ અને નિકાસ ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડવા તૈયાર નથી. નિકાસમાં ક્યાં નિયમોનો ભંગ
હ પશુઓને આઈસોલેશનમાં રાખવામાં આવતા નથી.
હ વેક્સીનેશન અને ટેગીંગ કરવામાં આવતું નથી.
હ ગંભીર બિમારીવાળા પશુઓને પણ મોકલી દેવાય છે.
હ કોરન્ટાઈ સર્ટિફિકેટ મેળવવામાં આવતું નથી.
હ કૃષિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થાય છે.
હ ટ્રેડ નોટીસ નં.18/ર018નું પાલન કરાતું નથી
હ જીવંત પશુની નિકાસ માટેના સેનીટોરીના નિયમોનું પાલન થતું નથી.