ખુદ મંત્રી સત્યપાલસિંહને બીજા ‘નીરવ મોદી’ પાકવાની ભીતિ!December 05, 2018

 સુગર મિલ નુકસાનીમાં બતાવીને માલિક ઉમેશ મોદીએ 450 કરોડ અન્ય કંપનીઓમાં વાળ્યાનો એચઆરડી મિનિસ્ટરનો યુપી સરકારને પત્ર
નવી દિલ્હી તા.5
ઉત્તર પ્રદેશનાં રાજ્યના શુગર ડેવલપમેન્ટ પ્રધાન સુરેશ રાણાને લખેલા પત્રમાં કેન્દ્રીય એચઆરડી રાજ્યપ્રધાન સત્યપાલસિંહે ચેતવણી આપતાં કહ્યું હતું કે શુગર મિલના માલિક ઉદ્યોગપતિ ઉમેશ મોદી પાસે ખેડૂતોનાં 450 કરોડ રૂપિયા બાકી લેણાં છે, જેઓ બીજા નીરવ મોદી બની શકે એમ છે.
બીજી ડિસેમ્બરના પત્રમાં સિંહે લખ્યું હતું કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં સુપરત કરેલી છેલ્લી નાણાકીય વર્ષ 2012-13ની બેલેન્સશીટ મુજબ મલેકપુર શુગર મિલના 312 કરોડ રૂપિયા લેણાં છે અને મોદી શુગર મિલ પાસેથી 150 કરોડ રૂપિયા લેણાં નીકળે છે- આ બંને મિલોના માલિક ઉમેશ મોદી છે. તેમણે ખેડૂતોનાં લેણાં ચૂકવવાને બદલે ગ્રૂપની અન્ય કંપનીઓ- જેમ કે મોદી એનર્જી, મોદી સિક્યોરિટીઝ અને અન્ય કંપનીઓમાં 231.76 કરોડ વાળ્યા છે. કેન્દ્રીય પ્રધાન પણ બાગપતના સંસદસભ્ય છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દો ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ ખેડૂતોનાં લેણાં નહીં ચૂકવવા માટે મિલ્સ નુકસાનમાં ચાલતી હોવાનું કહેવામાં આવે છે, પણ આ નાણાં તેમની અન્ય કંપનીઓમાં વાળવામાં આવ્યાં છે.
ઉદ્યોગપતિ ઉમેશ મોદીની તુલના હીરાના વેપારી નીરવ મોદી સાથે કરતાં સિંહે લખ્યું હતું કે મને ડર છે કે ગરીબ ખેડૂતોનાં નાણાં ઓળવી ઉમેશ મોદી પણ નીરવ મોદીની જેમ દેશ છોડીને ભાગી ના જાય.