હવે ચીન પાક.ને રોકડા નહીં આપે!December 04, 2018

 આર્થિક પેકેજ માગનાર પાક. નિરાશ: ચીને માત્ર પ્રોજેકટમાં 6 અબજ ડોલરનું રોકાણ કરવા તૈયારી બતાવી: જોકે સાઉદી અરેબિયા એટલી જ રકમની રોકડ સહાય કરશે ઈસ્લામાબાદ તા.4
પાકિસ્તાન તેના સદાબહાર દોસ્ત ચીનના દેવાના પહાડ તળે દબાયેલું છે. ચીન અનેક મહત્વપૂર્ણ યોજનાઓના બહાને પાકિસ્તાનને અઢળક નાણાં આપ્યા છે અને પાકિસ્તાન દેવાદાર બન્યું છે. પરંતુ હવે એ જ ચીને પાકિસ્તાનને કોઈ જ નાણાં ના આપવાનો નિર્ણય કર્યો છે. ચીન હવે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને લોન આપવાના બદલે ત્યાં અનેક ક્ષેત્રોમાં રોકાણ કરશે અને વ્યાપાર પણ લોંચ કરશે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તાજેતરમાં જ ચીનના પ્રવાસે ગયાં હતાં. તેઓ પાકિસ્તાનની અત્યંત ખાડે ગયેલી આર્થિક સ્થિતિને થાળે પાડવા માટે જરૂરી આર્થિક પેકેજ મેળવવાના ઈરાદે ચીન ગયાં હતાં. ચીનથી પરત ફર્યા બાદ ઈમરાન ખાનના કેબિનેટ સભ્યોએ દાવો કર્યો હતો કે તેમની યાત્રા સૌથી સફળ રહી હતી. ઈમરાન ખાનની આ મુલાકાતના કારણે જ લોન માટેની આઈએમએફ પર ઈસ્લામાબાદની નિર્ભરતા ઓછી કરવામાં મદદ મળી હતી. આ મુલાકાતના એક સપ્તાહ બાદ નાણાંમંત્રી અસદ ઉમરે જાહેરાત કરી હતી કે પાકિસ્તાનના દેવાના સંકટને અસરકારક રીતે ઉકેલી લેવામાં આવ્યું છે. 12 બિલિયન ડોલરની જરૂરિયાત સામે સાઉદી અરબ પાસેથી 6 બિલિયન ડોલર આપવામાં આવ્યા છે. જ્યારે બાકીની રકમ ચીન તરફથી આપવામાં આવશે. સાથે જ ઉમરે એમ પણ કહ્યું હતું કે, આ માટે પાકિસ્તાનનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ચીન જશે.
જોકે ચીને હવે પાકિસ્તાનને રોકડ રકમ આપવાનો ઈનકાર કરી દીધો છે. લાહોરમાં ચીનના કોન્સલ જનરલ લાંગ ડિંગબિને જિયો ન્યૂઝને જણાવ્યું હત્તું કે, રોકડ રકમના બદલે ચીન પાકિસ્તાનને અનેક પ્રકારના બેલઆઉટ પેકેજ પુરા પાડવાની યોજના બનાવી રહ્યું છે. જેને અંતર્ગત ચીન પાકિસ્તાનની અનેક પરિયોજનામાં રોકાણ કરશે. જેમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અંતર્ગત અનેક પ્રોજેકટનો સમાવેશ થાય છે.
લાંગે કહ્યું હતું કે, ચીન પાકિસ્તાનને ક્યારેય મધદરિયે નહીં છોડે અને તેની નબળી અર્થવ્યવસ્થાને સ્થિરતા આપવા વધારે સંસાધનોનો ઉપયોગ કરશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ચીન યાત્રા દરમિયાન બંને દેશોએ 15 નવી સમજુતિઓ પર હસ્તાક્ષર કર્યા હતા. જેના કારણે રાજકીય અને આર્થિક ક્ષેત્રે સહયોગ વધશે અને સાંસ્કૃતિક સંબંધોમાં પણ સુધાર આવશે.
પાકિસ્તાનના વધતા જતા દેવાને લઈને પુછવામાં આવેલા એક પ્રશ્ર્નમાં લાંગે એ તર્ક જ ફગાવી દીધો હતો કે સીપીઈસીએ પાકિસ્તાનને દેવા તળે દાબી દીધું છે. તેમણે કહ્યું હતું કે, સીપીઈસી અંતર્ગત શરૂ કરવામાં આવેલી 22 પરિયોજનામાંથી માત્ર ચાર જ લોન આપે છે, જ્યારે બાકીની અન્ય પરિયોજનાઓ રોકાણ આધારીત હતી અને તે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને વધારે મજબુત બનાવશે.