કપાસ વેચાણના 1.12 લાખ-દાગીના સહિત 1.73 લાખની માલમતા ઉસેડી જતા તસ્કરોDecember 04, 2018

સાવરકુંડલાના ગણેશગઢ ગામે બનેલ બનાવમાં ખેડૂતની માઠી;
પોલીસ દોડી ગઇ
અમરેલી તા,4
શિયાળાની હજુ તો શરૂઆત થવા પામી છે. ત્યાં તો તસ્કરોએ ઉપાડો લીધો હોય, જિલ્લામાં કયાંકને કયાંય ચોરીના બનાવો બની શક્યા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના ગણેશગઢ ગામે એક ખેડૂતનાં રહેણાંક મકાનમાંથી તસ્કરો રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 1.73 લાખનો મુદામાલ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ત્યારે આ બનાવને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો.
આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાવરકુંડલા તાલુકાના ગણેશગઢ ગામે રહેતા 6 વિઘા ખેતીની જમીન ધરાવતા ધનશ્યામભાઇ હીરજીભાઇ બોરડ નામના 50 વર્ષીય ખેડુત ગત તા.30 ના રોજ રાત્રે વાડીએ રખોપુ કરવા ગયા હતા અને ઘરે તેમના પત્ની તથા પુત્રી ઘરે હતા અને આ બંને મા-દિકરી રાત્રીના 11 વાગ્યા આસપાસ એક રૂમમાં સુઇ ગયા હતા. ત્યારે બીજા રૂમમાં આવેલ એક પટારામાં તાજેતરમાં જ ખેડૂત 101 મણ કપાસ વેચેલ હતો. તેની રકમ રૂા. 1,12,000 આવેલ તે મુકેલ હતી. જયારે આ જ પટારામાં એક સુટકેસમાં સોનાના ચેઈન, પેંડલ સાથેનો કિંમત રૂા. 40 હજાર, સોનાની વીટી નંગ-2 કિ.રૂા. 20 હજાર તથા ચાંદીના છડા-1 કિ. રૂા. 800 મળી કુલ રૂપિયા 1,72,800નો મુદામાલ કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.