LRD પરીક્ષા રદનો મુદ્દો ચૂંટણીમાં ઉઠાવશે કોંગ્રેસ; અમરેલીમાં આવેદનDecember 04, 2018

 શિક્ષણમંત્રી-સરકાર હાય-હાયના
સૂત્રોચ્ચાર; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અમરેલી તા,4
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા જિલ્લા યુવક કોંગ્રેસ ગઇકાલે ગુજરાતભરમાં લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવામાં આવતા લાખો યુવકો સાથે કરવામાં આવેલ મશ્કરી સમાન બનાવનો વિરોધ કરવા માટે થઇ આજે એક આવેદનપત્ર આપવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસ તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહી ભાજપ સરકાર, મુખ્યમંત્રી તથા રાજયના શિક્ષણમંત્રી વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી અને બાદમાં જિલ્લા કલેકટર કચેરીએ ધસી જઇ અને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે એલ.આર.ડી.ની પરીક્ષા યોજવામાં રાજયની ભાજપ સરકારે ઘોર બેદરકારી દાખવી હતી. જેના કારણે ગઇકાલે આ પરીક્ષાના પેપર ચોપાનીયાની જેમ વેંચાતા હતા. જેના કારણે આ પરીક્ષા રદ કરવી પડી હતી. રાજયના 9 લાખ જેટલા આ પરીક્ષાર્થીઓને સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે લખો બેરોજગાર યુવાનોની મુશ્કેલી તથા પ્રશ્ર્નને વાચા આપવા માટે જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા અમરેલી ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને રાજયના મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. એલ.આર.ડી. પરીક્ષા રદ કરવા સુધીના પગલા ભરવા પડે તેવી પરીસ્થિતિ ગુજરાતમાં ઉભી થઇ છે. ત્યારે આગામી ચૂંટણી કોંગ્રેસ આ મુદાને ચૂંટણી મુદો બનાવી ભાજપ સરકારને દરેક ક્ષેત્રે ભીડવવા માટે મક્કમ બની રહ્યાનું પણ જાણવા મળેલ છે.