ફ્રાંસ કટોકટીના આરે: પેરિસમાં મોંઘવારી સામે હિંસક પ્રદર્શનDecember 03, 2018

 અજ્ઞાત યુવા વિરોધકર્તાઓએ વાહનો-બિલ્ડિંગો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ
 હિંસક હરકતો ખાળવા માટે સરકાર કટોકટી લાદવાનું વિચારે છે: પ્રવકતા બેંજામીન
પેરિસ તા.3
ફ્રાંસ હાલ દશકની સૌથી ખતરનાક ગૃહ અશાંતિથી ઝઝૂમી રહ્યું છે. સ્થિતિ એટલી ખરાબ થઇ ચૂકી છે કે શનિવારે અમુક યુવાઓએ સેન્ટ્રલ પેરિસમાં ઘણા વાહનો અને બિલ્ડિંગોને આગના હવાલે કરી દીધા હતા. એવામાં સરકાર કટોકટી લાગૂ કરવા માટે વિચાર કરી રહી છે. આ જાણકારી ફ્રાંસ સરકારના પ્રવક્તા બેંજમિન ગ્રીવોક્સે આપી છે.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, અમારે કંઇક એવી કાર્યવાહી કરવી પડશે, જેથી આવી હરકતો ફરીથી ન થાય. પેરિસમાં મોંઘવારી વધતા અને પેટ્રોલના ભાવ વધતા છેલ્લા 2 અઠવાડિયાથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનને યેલો વેસ્ટનું નામ
પણ આપવામાં આવ્યું છે. પ્રદર્શનકારી પીળા રંગની વેસ્ટ પહેરીને પ્રદર્શન કરી રહ્યા છે.
ફ્રાંસની પોલીસ તરફથી શેર કરવામાં આવેલા વીડિયોમાં અમુક પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોને નિશાન બનાવ્યા અને તેમના કાચ તોડી નાખ્યા હતા. એક અન્ય વીડિયોમાં સળગતી કારો અને પ્રદર્શનકારીઓને છૂટા પાડવા માટે ટીયર ગેસના ગોળા ફેંકતા નજરે પડ્યા હતા. પેરિસમાં પ્રદર્શન કરી રહેલા 288 લોકોની ધરપકડ કરી લેવામાં આવ્યા છે, જ્યારે લગભગ 100 લોકો ઘાયલ થઇ ગયા છે. પોલીસ પ્રવક્તાએ આ વિશે જણાવ્યું કે, શનિવારે પેટ્રોલ અને પેટ્રોલની વધતી કિંમતો અને હાઇડ્રોકાર્બન ટેક્સ વધારવાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા પછી પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે અથડામણ થઇ હતી. મુશ્કેલીની વાત તો એ છે કે આ પ્રદર્શનકારીઓનો કોઇ ચહેરો નથી, જેની સાથે સરકાર વાત કરી શકે.