ફ્રાન્સમાં બજારમાં ફાયરિંગ, 3નાં મોત: હુમલાખોર નાસી છુટ્યોDecember 12, 2018

 હુમલામાં 12 લોકો ઘાયલ થયા
સ્ટ્રાસબર્ગ (ફ્રાન્સ) તા.12
ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહેરમાં મંગળવારે મોડી રાત્રે એક બંધૂકધારી હુમલાખોરે ભીડવાળા બજારમાં ફાયરિંગ કરી દીધું. હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે સેન્ટ્રલ સ્ક્વેર માર્કેટમાં ક્રિસમસ શોપિંગ માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. ફ્રાન્સની કાઉન્ટર ટેરરિઝ્મ ફોર્સ આ મામલે તપાસ કરી રહી છે.
ફ્રાન્સના ગૃહમંત્રી ક્રિસ્ટોફ કેસ્ટેનર અનુસાર, આરોપી ફાયરિંગ બાદ ભાગવામાં સફળ થઇ ગયો હતો. તેણે પોલીસ ઉપર પણ બે વખત ફાયરિંગ કર્યું હતું. ત્રણ લોકોનાં મોતની પુષ્ટિ કરતાં કેસ્ટેનરે કહ્યું કે, બોર્ડર પર સુરક્ષાબળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ 350 સિક્યોરિટી એજન્ટસ આરોપીની શોધ કરી રહ્યા છે. માર્કેટમાં થયેલાં આ હુમલા બાદ ક્રિસમસ પર તમામ માર્કેટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સ્ટ્રાસબર્ગનો રહેવાસી શેરિફ શેકટ (29) છે. ફ્રાન્સની ફોર્સને પહેલેથી જ આ વ્યક્તિ આતંકી હોવાની શંકા હતી.
અધિકારીઓ મંગળવારે સવારે તેની ધરપકડ કરવા ન્યૂડોર્ફ સ્થિત તેના ઘરે ગયા હતા, પરંતુ તે ઘર છોડીને ભાગી ગયો હતો. સાંજે માર્કેટમાં પોલીસે કરેલાં ફાયરિંગમાં શેરિફને ગોળી વાળી હતી, તેમ છતાં તે ટેક્સી હાઇજેક કરી ભાગવામાં સફળ રહ્યો હતો. ફ્રાન્સના
પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને દેશમાં વધતી જતી આતંકવાદી
ઘટનાઓને પગલે એન્ટિ-ટેરર પોલીસને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાના ઓર્ડર આપ્યા છે.