કાબુલમાં સ્યુસાઇડ બોમ્બરનો કહેર: વિસ્ફોટમાં 50 લોકોનાં મોતNovember 21, 2018

હોલમાં થયેલા બ્લાસ્ટમાં 60 થી વધુ ઘાયલ: હુમલાની જવાબદારી કોઇએ નથી સ્વીકારી
કાબુલ, તા.21
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 50 લોકોનાં મોત થયાં છે. અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટ એક હોલમાં થયો હતો. પીડી15 જિલ્લામાં ઉરાનુસ હોલમાં થયેલા આ બ્લાસ્ટમાં લગભગ 60 જેટલાં લોકો ઘાયલ થયાં છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
સરકારી પ્રવક્તાના કહેવા મુજબ પ્રાથમિક માહિતી પ્રમાણે સ્યૂસાઇડ બોમ્બર દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. હજી સુધી આ બ્લાસ્ટની કોઈએ જવાબદારી લીધી નથી. કાબુલમાં તાજેતરના મહિનાઓમાં થયેલા બ્લાસ્ટમાં આ સૌથી વધારે ઘાતક બ્લાસ્ટ છે. તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ દ્વારા અફઘાનિસ્તાનમાં વારંવાર હુમલાઓ કરવામાં આવે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા વાહિદ મજરોહના કહેવા પ્રમાણે આ બ્લાસ્ટ થયો ત્યારે કેટલાક મુસ્લિમ ધર્મ ગુરુઓ ઉલેમા કાઉન્સિલમાં એકઠા થયા હતા. ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપના કહેવા પ્રમાણે ગયા ઑગસ્ટ મહિનામાં થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં તેમનો હાથ હતો. જેમાં ડઝનથી પણ વધારે લોકોનાં મોત થયાં હતાં. ઑક્ટોબર મહિનામાં યોજાયેલી ચૂંટણી વખતે પણ અનેક લોકોનાં મોત થયાં હતાં.