મોદી-જિનપિંગની ‘મજબૂત’ મુલાકાતDecember 01, 2018

 બંને વચ્ચે વર્ષમાં ચોથી વાર રૂ-બ-રૂ વાતચીત: ‘દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત
બનશે’- મોદીનો દાવો
બ્યૂએનોસ એરિસ તા,1
આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં આયોજીત જી-20 શિખર સમ્મેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ એકબીજાને મળ્યાં હતાં. જેમાં બંને દેશો વચ્ચે વિપક્ષીય સંબંધો વધારે મજબુત બનાવવાને લઈને ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જીનપિંગ વચ્ચે આ વર્ષે જ આ ચોથીવાર મુલાકાત થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જીનપિંગ આ અગાઉ એપ્રિલમાં ચીનના વુહાન શહેરમાં મળ્યાં હતાં. ત્યાર બાદ પણ બંને ઔપચારીક રીતે બે વાર મળી ચુક્યાં છે. બંને નેતા જૂનમાં ચીનના ચિંગદાઓમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમ્મેલનમાં અને ત્યાર બાદ જુલાઈમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ શિખર સમ્મેલનમાં મુલાકાત કરી ચુક્યાં છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગને કહ્યું હતું કે, તેઓ આગામી વર્ષે વધુ એક અનૌપચારિક બેઠકમાં તેમની યજમાની કરવાની આશા રાખે છે. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું હતું કે, આજની આ બેઠક અમારા સંબંધોને વધારે મજબુત કરવાના સંદર્ભમાં એક દિશા પ્રદાન કરવામાં મદદ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારની પહેલ ગતિને બનાવી રાખવામાં મદદગાર બનશે. ચિંગદાઓ અને જોહનિસબર્ગમાં બે સમીક્ષા બેઠક યોજાઈ ચુકી છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે ‘તૈલી મંત્રણા’
જીનપિંગને મળ્યાં તે પહેલા તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનને મળ્યાં હતાં. બંને નેતાઓ જી-20 સમ્મેલન ઉપરાંત આર્જેટિનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં સલમાનના નિવાસસ્થાને મળ્યાં. આ મુલાકાત દરમિયાન બંન્ને વચ્ચે રાજકીય, સુરક્ષા, આર્થિક, રોકાણ, કૃષિ, ઉર્જા, સંસ્કૃતિ અને ટેક્નોલોજી સહિતના અનેક મુદ્દાઓ પર દ્વિપક્ષીત ચર્ચા થઈ. બંને વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા દ્વારા ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને ભારત ક્રૂડ ઓઈલ ખરીદીની ખોટ પૂરી કરવા અન્યત્ર નજર દોડાવી રહ્યું છે.