દેવળિયા પાર્કના બન્ને હિંસક સિંહોને આજીવન કેદNovember 30, 2018

જુનાગઢ તા.30
સાસણ નજીકના દેવળીયા સફારી પાર્ક ખાતે ગઇકાલે સિંહે હુમલો કર્યો હોય એવી 40 વર્ષમાં પ્રથમ ઘટના બનવા પામી છે. અને ખુંખાર બનેલ સિંહે હુમલો કરતાં એક વન કર્મિનું મોત નિપજવા પામ્યુ હતુ. જયારે બે કર્મચારીઓને ગંભીર ઇજાઓ થતાં જુનાગઢ સારવાર માટે લાવવામાં આવેલ હતા. આ ઘટનાના પગલે દેવળીયા સફારી પાર્કમાં આંતક મચાવનાર બન્ને સિંહને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે અને હવેથી આ બન્ને સિંહોને આજીવન પાંજરામાં જ રાખવામાં નિર્ણય જંગલ ખાતા દ્વારા લેવાયો છે.
દેવળીયા સફારી પાર્કમાં બનેલી આ ભયંકર ઘટના અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલેે રૂટીન મુજબ વન વિભાગના ટ્રેકર રજ્જાશ કેશવાલા અને દિનેશ નામનાં વન કર્મિ ફરજની કામગીરી માટે મોટર સાયકલ પર નિકળ્યા ત્યારે સિંહે ઓચિંતો હુમલો કરી દીધો હતો. જેમાં મજુર દિનેશ સિંહના હુમલાથી બચી જવા પામ્યો હતો અને સિંહના પંજામાં આવી ગયેલ રજનીશને બચાવવાના પ્રયત્નો કર્યા હતાં પરંતુ સિંહ રજનીશને ઉપાડી નાસી ગયા હતાં. ત્યારે ઇજાગ્રસ્ત થયેલ મજુર દિનેશે તાત્કાલીક વન વિભાગને જાણ કરી હતી.
જ્યારે સિંહે હુમલો કરી જંગલમાં ઘસેડી જવાયેલ રજનીશની શોધખોળમાં નિકળેલ ફોરેસ્ટ માલદેભાઇ ભરડા ઉપર પણ સિંહે હિચકારો હુમલો કરી દેતાં તેમને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમને પણ જુનાગઢ હોસ્પિટલ ખાતે 108 દ્વારા લાવવામાં આવ્યા હતાં. પરંતુ તેમને વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા છે. દરમિયાન વન વિભાગની ભારે કવાયત બાદ રજનીશનો મૃતદેહ મળ્યો હતો. અને તેમની ઉપર જ સિંહો બેઠેલા હોવાની મુસીબતે સિંહોને ત્યાથી ખસેડી રજનીશના મૃતદેહને દેવળીયા સફારી પાર્કમાંથી બહાર લાવી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હુમલો કરનાર સિંહ ગૌતમ તથા ગૌરવ છેલ્લા 10 વર્ષની આસપાસથી સફારી પાર્કમાં વસવાટ કરતાં હતાં. અને સક્કરબાગથી સફારી પાર્કમાં સિફટ કરાયા હોવાની ઓફ ધી રેકોર્ડ વાત છે. આ હિંસક ઘટનાના પગલે જંગલ ખાતાએ બન્ને સિંહને આજીવન પાંજરામાં જ પુરી રાખવા નિર્ણય કરેલ છે.