ઈમરાનની ગુગલીમાં સુષ્માનું પ્લેય્ડ, પણ મોદી સરકાર ક્લિન બોલ્ડ!

 કરતારપુર કોરિડોર શિલાન્યાસમાં આમંત્રણ એ પાક. પીએમની નાપાક ચાલ હતી!
 સુષ્મા સ્વરાજ હાજરી આપવા ન ગયા પણ કેન્દ્રએ બે મંત્રીને મોકલતાં પાક. મૂછમાં હસ્યું!
કરાંચી તા.30
કરતારપુર કોરિડોર ખોલવાને લઇને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની વાહવાહી લૂંટવાની કોશિશો કરી રહ્યું છે, પરંતુ તેની પાછળનો હેતુ ઇમરાન ખાન સરકારના વિદેશ મંત્રીના એક નિવેદનથી સામે આવી ગયો છે, જેમાં તેમણે ઇમરાનની ‘ગુગલી’ ગણાવી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ ગુરુવારે કહ્યું હતું કે, કરતારપુર કોરિડોરના શિલાન્યાસ સમારોહમાં ભારત સરકારને આમંત્રિત કરવા ઇમરાન ખાનની ‘ગુગલી’ હતી, જેમાં મોદી સરકાર બોલ્ડ થઇ ગયા છે.
કુરૈશીનું આ નિવેદન વિદેશી મંત્રી સુષમા સ્વરાજના તે નિવેદનના એક દિવસ પછી આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, દ્વિપક્ષીય વાતચીત માટે પહેલા ઇસ્લામાબાદ ભારત વિરુદ્ધ સીમા પારથી આવતા આતંકીઓની ગતિવિધિઓને રોકે. આતંક અને વાતચીત બન્ને એક સાથે ચાલી શકે નહીં. સુષમા સ્વરાજે પોતાના કાર્યોની વ્યસ્તતાનો હવાલો આપીને કરતારપુર કોરિડોર શિલાન્યાસ સમારોહ માટે પાકિસ્તાનના આમંત્રણને ઠુકરાવી દીધું હતું, પરંતુ ભારત સરકારે બે કેન્દ્રિય મંત્રીઓ હરસિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ પુરીને શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા માટે મોકલ્યા હતા. પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારે 100 દિવસ પૂરા થતા કુરૈશીએ કરતારપુર કોરિડોરને ઇમરાન સરકારની મોટી સફળતા ગણાવી હતી. તેમણે પોતાના સંબોધનમાં ક્રિકેટનો એક શબ્દ ગુગલીનો ઉપયોગ કરીને કહ્યું કે, ઇમરાને એક ગુગલી ફેંકી અને ભારતે પોતાના 2 મંત્રી પાકિસ્તાન મોકલી દીધા. બીજી બાજુ, આર્મી ચીફ બિપિન રાવતે સ્પષ્ટ કરી દીધું છે કે, આતંકનો જવાબ ગોળીથી આપવામાં આવશે. પાકિસ્તાન પહેલા આતંકવાદ રોકે, ત્યારે અમે દોસ્તીને આગળ વધારીશું. પાકિસ્તાન કોઇ વહેમમાં ન રહે.