ડૂકી ગયેલા કૂવામાં ફાંસો ખાઇ ખેડૂતનો આપઘાતNovember 28, 2018

પાક નિષ્ફળ જવાનાં ટેન્શનમાં સતત ગુમસુમ રહેતા યુવા ખેડૂતે ભરેલા પગલાથી પરિવાર નોંધારો
વઢવાણ તા.28
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાનાં કારણે આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સાયલા તાલુકાનાં સંગોઈ ગામે આજે 45 વર્ષના ખેડૂતે પોતાનાં ખેતરે કૂવામાં દોરડું બાંધી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. કૂવો ડુકી જતાં પાક હવે નિષ્ફળ જશે અને બિયારણ તથા કરજ વગેરેની ચિંતામાં છેલ્લા કેટલાક દિવસથી ગુમસુમ ખેડૂતે આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટ્યું છે. એકમાત્ર આધાર સ્તંભ એવા પુત્રનાં આપઘાતનાં કારણે આખો પરિવાર નોંધારો બની ગયો છે. પોલીસે ઘટના અંગે જાણ થતાં ઘટનાસ્થળે જઇ પંચનામુ તથા પીએમ સહિતની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ખેડૂતનાં આપઘાતનો આ બીજો કિસ્સો છે. આ પૂર્વે જિલ્લાનાં નાગરકા ગામના ખેડૂતે પણ આપઘાત કરી લીધો હતો.
સાયલા તાલુકાના સાંગોઈ ગામે રહેતા 45 વરસના કોળીએ કુવાના પથ્થર સાથે દોરડુ બાંધ કુવામાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરેલ છે. સાયલાના સાગોઈ ગામે રહેતા 45 વરસના મનસુખ કરશન કોળી પાકનું વાવેતર કરેલ પણ વરસાદ અપૂરતો થયો. કુવામાં પાણી ડુકી ગયા અને હવે ચોકકસ થયું કે વાવેતર નિષ્ફળ ગયું છે. આથી પોતે તેની વાડીમાંજ આવેલ કુવામાં ઉપર પડથાળ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરતા સાયલા પીએસઆઈ ચુડાસમા, વિજયભાઇ જાદવ, ગંગારામભાઇ અને રાઈટર મનીષભાઇ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પીએમની કાર્યવાહી હાથ ધરેલ.