કંડલામાં ફરી કેમિકલ ગળતરથી લોકોમાં નાસભાગNovember 28, 2018

 કેમિકલ લીકેજ થયાની ડીપીટીએ કરી જાહેરાત
ભૂજ તા.28
જૂના કંડલાના ઇફકો પ્લાન્ટની સામેના ભાગે પાઇપલાઇનમાંથી કેમિકલ ગળતર થતાં ગભરાટ ફેલાયો હતો. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ સહિતના પ્રશાસનમાં દોડધામ થઇ હતી. અલબત્ત પ્રશાસને આ ગળતરને રાબેતા મુજબ સામાન્ય ગણાવ્યું હતું.
છેલ્લા થોડા સમયથી કંડલાથી ગાંધીધામ સુધી લોકોની આંખોમાં બળતરા સહિતના બનાવો બની રહ્યા છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના તંત્રો હજુ સુધી આ ઘટનાનું કારણ શોધી શકયા નથી ત્યાં કેમિકલ ગળતરના સમાચાર સંકુલમાં પ્રસરતાં ગભરાટ પ્રસર્યો હતો. ડીપીટીના પ્રશાસનમાંથી કોઇ આ અંગે બોલવા તૈયાર થયું નહોતું.
મોડી સાંજે ડેપ્યુટી ક્ધઝર્વેટર ટી. શ્રીનિવાસ દ્વારા એક યાદી મોકલાઇ હતી. જેમાં જણાવ્યા મુજબ જૂના કંડલાની ઓઇલ જેટી નં. 2 ઉપર લાંગરેલા એક ટેન્કરમાંથી થઇ રહેલો ડિસ્ચાર્જ અટકાવાયો હતો. કેમિકલ લીકેજની જાણ થતાં ડીપીટીનું અગ્નિશમન દળ સ્થળ ઉપર પહોંચી ગયું હતું. બંદર અને કસ્ટમ બોન્ડ એરિયાની બહારના ભાગે સામાન્ય ગળતર જણાયું હતું. બટયલ એક્રેલીટ મોનોમોર નામનું કેમિકલ લીક થયું હતું. જે અટકાવાયું હતું. બપોરે 1 વાગ્યે પુન: ડિસ્ચાર્જ શરૂ કરાયો હતો.