શેરબજાર અને રૂપિયામાં તેજીNovember 02, 2018

 સેન્સેકસ 482 અને નિફટી 150 પોઇન્ટ ઉછળ્યા, રૂપિયો પણ 33 પૈસા મજબૂત
રાજકોટ તા.2
ભારતીય શેરબજારમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી શરૂ થયેલી રીકવરી સતત ચાલુ રહેવા પામી છે અને આજે પણ સવારે બજાર ખુલતા જ સેન્સેકસમાં 482 પોઇન્ટ તથા નિફટીમાં 152 પોઇન્ટનો વધારો નોંધાયો હતો. બીજી તરફ ડોલર સામે રૂપિયામાં પણ સ્થિરતા સાથોસાથ ધીમો સુધારો ચાલુ રહ્યો છે અને આજે ખુલતામાં ડોલર સામે રૂપિયો 33 પૈસા મજબુત બની 73.13 ના સ્તરે ખુલતા શેરબજારને સપોર્ટ મળ્યો હતો. જેના કારણે શેરબજાર સવારથી જ ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. જાણવા મળ્યા મુજબ આજે બજાર ખુલતા જ સેન્સેકસ 482 પોઇન્ટ વધી 34895 ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફટી પણ 152 પોઇન્ટ
ઉછળી 10512 ના સ્તરે ખુલ્યો હતો.
આજ રીતે લાંબા સમયથી તુટી રહેલ બેંક નિફટીમાં પણ 200 પોઇન્ટ, મિડકેપ 200 પોઇન્ટ અને સ્મોલકેપ ઇન્ડેકસ પણ 210 પોઇન્ટ સુધર્યા હતા.
આજે શેરબજારની તેજીમાં ઓટો શેર ઉપરાંત રીટેઇલ, ફર્ટીલાઇઝર સહિતના સેકટરમાં જોરદાર લેવાલી દેખાતી હતી.
શેરબ્રોકરોને પણ દિવાળી પહેલા ફરી સેન્સેકસ 35000 ને ક્રોસ કરી તેજીમાં પ્રવેશે તેવી આશા છે.
બોકસ
પેટ્રોલમાં 19 પૈસા અને ડીઝલમાં 16 પૈસાનો ઘટાડો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે પણ પેટ્રોલ 19 પૈસા અને ડીઝલ 16 પૈસા સસ્તુ થયું છે. ઇંધણના ભાવમાં ઘટાડો થતા વાહનચાલકો રાહત અનુભવી રહ્યા છે પરંતુ પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 10 થી 12 દિવસમાં 1 થી 1.50 રૂપિયાનો ઘટાડો થયો છે. અગાઉ વૈશ્ર્વિક બજારમાં કાચા તેલનો ભાવ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર તેની અસર થઇ હતી પરંતુ થોડા સમયથી કાચા તેલના બેરલના ભાવ ઘટી બેરલનો ભાવ 74.72 થયો છે તેથી ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી રહી છે.