દીપાવલીની સજાવટ ફેલાવે છે સકારાત્મક ચેતનાNovember 01, 2018

દિપાવલીનો તહેવાર રંગ અને પ્રકાશનો તહેવાર કહેવામાં આવે છે. ઘરને સજાવવામાં આવે છે.
આંગણામાં રંગોળી અને ટમટમતાં દીવડા ચારે તરફ રોશની ફેલાવે છે. તો દરવાજામાં લીલા તોરણ લગાવવામાં આવે છે. જે શુકનવંતી અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ બધા સાથે નવા વર્ષની શુભેચ્છા આપવા આવતા સ્નેહીજનોને મીઠાઇથી મોં મીઠા કરાવવામાં આવે છે તેમજ નવા વર્ષની શુભકામના આપવામાં આવે છે. આમ જોઇએ તો આ બધું કરવા પાછળ સુક્ષ્મ અર્થ રહેલો છે. બધું કરવા પાછળ શુભ હેતુ રહેલો છે એ જોઇએ.
રંગોળીનું મહત્વ
રંગોળી કરવા પહેલા ગાર કે છાણનું લીપણ કરવામાં આવે છે. લાલ માટી અને છાણ બંન્નેમાં નકારાત્મક ઉર્જાને શોષિત કરવાની ક્ષમતા હોય છે. ઉંબરા પાસે ગાર કે છાણનું લીંપણ, ઘરમાં આવતી નકારાત્મક ઉર્જાને અટકાવે છે. બીજો રંગો કલર થેરેપીની જેમ કાર્ય કરે છે. આંગણામાં પ્રવેશતાની સાથે રંગોળી મનને પ્રફુલ્લીત કરે છે. સાથીયો, શંખ, પદ્દમ, ગદા, ચક્ર જેવા ચિન્હોનો ઉપયોગ
થાય છે. આ બધા જ ચિન્હો વાતાવરણમાંથી સારી ઉર્જાને ગ્રહણ કરી શકે છે. રંગોની મનુષ્યોના આભામંડળ અને ચક્રો પર પણ અસર થાય છે. જેમ કે હૃદયચક્રનો રંગ લીલો છે, નાભીચક્રનાં રંગ પીળો છે, વિશુધ્ધિ ચક્રનો રંગ બ્લ્યુ છે. આ રંગોની સુક્ષ્મ અસર ચક્રો પર થાય છે.
દીપ પ્રજવલન શા માટે ?
દિવાળી એટલે વર્ષોથી ચાલી આવતી દીપ પ્રજવલનની પરંપરા. ઘરે ઘરે પ્રગટતાં દીવડાના માધ્યમથી અગ્નિતત્વ દ્વારા પ્રકાશની સાથે સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. દીવામાં પ્રજવલ્લિત અગ્નિ તત્વ અપ્રદુષિત છે. વળી અગ્નિ તત્વ પ્રાકૃતિકરૂપથી નિર્વિચાર છે ! એટલે પ્રગટેલા દીવડાની જ્યોતિ પર આપણું ધ્યાન જવાથી મનમાં વિચાર શાંત થાય છે અને પ્રસન્નતા રહે છે. પ્રાચીન સમયથી દીવાની જ્યોતિને આત્મજ્યોતિનું પ્રતિક માનવામાં આવ્યું છે. દીપજ્યોતિની સાથે સાથે આત્મજ્યોતિ પણ પ્રજવલિત થાય એવો એ પાછળનો આશય છે.
શુભં કરોતિ કલ્યાણં
આરોગ્ય ધન સંપદામ ા
શત્રુબુદ્ધિ વિનાશાય
દીપજ્યોતિ નમોસ્તુતે ાા
દીપ જ્યોતિ પરબ્રહ્મ
દીપ જ્યોતિ જનાર્દન ા
દીપો હરતિ મે પાપં
દીપ જ્યોતિ નમોસ્તુતે ાા
દીવાળીનાં દીવાની જ્યોતિ સૌનું શુભ, કલ્યાણ કરનાર, આરોગ્ય ધન, સંપતિ આપનાર અને આપણાં મનમાં રહેલા શત્રુબુદ્ધિનો વિનાશ કરનાર છે. પરબ્રહ્મ, જનાર્દન સ્વરૂપ દીપ જ્યોતિ આપણાં પાપનો નાશ કરનાર છે. એ દીપ જ્યોતિને નમસ્કાર છે.
પ્રત્યેક દીવામાં અને શુદ્ધ ઘીના દીવામાં શક્તિ રહેલી છે કે, એ વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોકસાઇડને શોષિત કરીને ઓકિસજનનું પ્રમાણ વધારે છે.
બારણામાં તોરણ
વાર તહેવારે આપણે બારણામાં આસોપાલવના પાનના તોરણ બાંધતા હોઈએ છીએ અને દીપાવલીના દિવસોમાં તો ખાસ દરેકના ઘરમાં લીલુંછમ તોરણ સ્વાગત માટે હોય જ છે.આસોપાલવના પાન તેમજ વચ્ચે લગાવેલ ફૂલો એનર્જી શુદ્ધ કરે છે.ઉપરાંત આ પાન શુકનવંતા પણ છે તેથી પાનના તોરણ લગાવવામાં આવે છે.
મોં મીઠું કરાવવું
નવા વર્ષના દિવસે સાલમુબારક કરવા આવનારને આપણે સાકર કે મીઠાઈ કાઈ પણ ખવડાવી મોં મીઠું કરાવીએ છીએ.તેનો અર્થ છે મીઠાઈ કે સાકરની જેમ દરેક સાથેના સંબંધો મધુર અને મીઠા રહે.
દેવ દર્શન જવું
નવા વર્ષના દિવસની શરૂઆત લોકો ભગવાનના મંદિરે પૂજા અને દર્શનથી કરે છે.
પવિત્ર એનર્જી મેળવી ચિત્ત પ્રભુ પર રહે અને સમગ્ર વર્ષ શુભ શુકનવંતુ જાય એ માટે પ્રાર્થના કરે છે તેમજ દરેક પળ પ્રભુ સાથે રહે કોઈ ખોટું કાર્ય ન થાય એ માટે પણ પરમાત્મા પાસે શક્તિ માંગે છે.